<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

પેસેન્‍જર બસ નદીમાં પડતાં ૬ મહિલાઓ સહિત ૧૮ લોકોના મોત

નેપાળમાં ભયાનક માર્ગ અકસ્‍માતઃ પોખરાથી કાઠમંડુ જતી એક બસ ત્રિશુલી નદીમાં ખાબકી

નવી દિલ્‍હી તા.૨૩:  આજે સવારે નેપાળમાં એક ભયાનક અકસ્‍માત થયો. ધાડિગમાં પોખરાથી કાઠમંડુ જતી એક બસ ત્રિશુલી નદીમાં ખાબકી પડતાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા.

બેનીઘાટ રોરાંગ ગ્રામીણ મ્‍યુનિસિપાલિટીના વોર્ડ ૩માં ચરાઉંડી નજીક ચિન્નાધારા ખાતે બસ નદીમાં ખાબકી. ધાડિંગ જિલ્‍લા ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે મૃત્‍યુઆંક વધીને ૧૮ થયો છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કુલ ૨૭ મુસાફરો ઘાયલ થયા છે.

અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે અકસ્‍માતમાં છ મહિલાઓ અને ૧૨ પુરુષોના મોત થયા છે. આઠ મહિલાઓ, અઢાર પુરુષો અને એક સગીર છોકરી સહિત કુલ ૨૭ ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્‍યા છે અને સારવાર માટે વિવિધ હોસ્‍પિટલોમાં લઈ જવામાં આવ્‍યા છે.

બસ પૃથ્‍વી હાઇવે પર મુસાફરી કરી રહી હતી ત્‍યારે ધાડિગ જિલ્‍લાના બેનીઘાટ રોરાંગ ગ્રામીણ મ્‍યુનિસિપાલિટી-૫ ના ભૈસેપતિ વિસ્‍તાર નજીક રાત્રે ૧ વાગ્‍યે બસ રસ્‍તા પરથી પલટી ગઈ હતી. વાહન ઢાળથી લગભગ ૩૦૦ મીટર નીચે પડી ગયું હતું અને નદી કિનારે ખરાબ રીતે ક્ષતિગ્રસ્‍ત હાલતમાં મળી આવ્‍યું હતું.

નેપાળી સેના, સશષા પોલીસ દળ, નેપાળ પોલીસ અને સ્‍થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે રાત્રિના સમયે બનેલી ઘટનાએ બચાવ કાર્યને મુશ્‍કેલ બનાવ્‍યું હતું.

(10:01 AM IST)