News of Monday, 23rd February 2026
૨૮ વર્ષની યુવતીને ૬૦ વર્ષના દાદા સાથે થયો પ્રેમ
બિહારના મુઝફફરપુર જિલ્લામાં એક અનોખા અને વિવાદાસ્પદ લગ્નનો કિસ્સો સામે આવ્યો : ૨૮ વર્ષની શાઈસ્તા પરવીને પોતાનાથી ૩૨ વર્ષ મોટા ૬૦ વર્ષીય રાકેશ કુમાર સાથે મંદિરમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે

મુઝફફરપુર તા.૨૩: બિહારના મુઝફફરપુર જિલ્લાના ઔરાઈ વિસ્તારમાંથી એક એવી પ્રેમ કહાની સામે આવી છે જેણે ઉંમર, ધર્મ અને સમાજના તમામ બંધનો તોડી નાખ્યા છે. એક ખાનગી શાળાના ૬૦ વર્ષીય સંચાલક રાકેશ શાહે પોતાની જ શાળાની ૨૮ વર્ષીય શિક્ષિકા શાઈસ્તા પરવીન સાથે ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા છે, તે પણ નેપાળ જઈને. હવે આ અનોખી જોડીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ, શાઈસ્તાના પરિવારે રાકેશ પર ગંભીર આક્ષેપો કરતા FIR નોંધાવી છે.
માહિતીમાં સામે આવ્યું છે કે, શાઈસ્તા અને રાકેશ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. ઉંમરનો મોટો તફાવત અને અલગ ધર્મના હોવાને કારણે તેમને ખબર હતી કે, પરિવાર આ લગ્ન માટે ક્યારેય સંમતિ આપશે નહીં. આથી બંનેએ ગુપ્ત રીતે મંદિર જઈને લગ્ન કરવાનું નક્કી કર્યું. શાઈસ્તાએ રાકેશના ગળામાં વરમાળા પહેરાવી અને રાકેશે તેની સેંથામાં સિદૂર ભર્યું હતું. જેવા આ લગ્નના ફોટા ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ થયા, શાઈસ્તાના પરિવારજનો રાકેશના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો હતો. યુવતીના પરિવારે આરોપ લગાવ્યો છે કે, આ લગ્ન દબાણ હેઠળ અથવા લાલચ આપીને કરવામાં આવ્યા છે.
શાઈસ્તાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે પોતાની નવી જિદગીથી સંતુષ્ટ છે. તેણે અપીલ કરી છે કે, તેના પતિ (રાકેશ)ના પરિવારને હેરાન કરવામાં ન આવે. શાઈસ્તાના જણાવ્યા અનુસાર, તેનું કોઈએ અપહરણ કર્યું નથી. જોકે, પરિસ્થિતિની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ સતર્ક થઈ ગઈ છે. શાઈસ્તાએ પોલીસ પાસે રક્ષણની માંગ કરી છે, કારણ કે તેને તેના પરિવાર તરફથી જાનનું જોખમ હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે બંને પક્ષોને શાંત રહેવાની અપીલ કરી છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાકેશના ઘરની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.
તમને જણાવી દઈએ કે, રાકેશ શાહ ઔરાઈમાં એક પ્રાઇવેટ સ્કૂલ ચલાવે છે. શાઈસ્તા તે જ સ્કૂલમાં શિક્ષિકા હતી. સાથે કામ કરતા-કરતા બંને વચ્ચે નિકટતા વધી અને પ્રેમ થઈ ગયો. ૧૮ ફેબ્રુઆરીએ બંને અચાનક ગુમ થઈ ગયા હતા. એવી ચર્ચા છે કે, બંનેએ સરહદ પાર નેપાળ જઈને મંદિરમાં ભગવાનને સાક્ષી માનીને એકબીજાને વરમાળા પહેરાવી હતી.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
