<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ઈરાનમાં ભભૂકતો તણાવ: ભારત સરકારની પોતાના નાગરિકોને અત્યંત ગંભીર ચેતવણી, 'જે પણ સ્થિતિમાં હોવ, તુરંત આ દેશ છોડી દો': હેલ્પલાઈન નંબરો અને ઈમેલ જારી કરવામાં આવ્યા

પશ્ચિમ એશિયામાં અમેરિકાની વધતી સૈન્ય જમાવટ અને યુદ્ધના ભણકારા વચ્ચે વિદેશ મંત્રાલયની તાકીદની એડવાઈઝરી; તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસમાં તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવા અને કોમર્શિયલ ફ્લાઈટ્સ મારફતે સ્વદેશ પરત ફરવા આદેશ

નવી દિલ્હી: ઈરાનમાં સતત વણસી રહેલી પરિસ્થિતિ અને વધતા જતા પ્રાદેશિક તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં વસતા પોતાના નાગરિકો માટે અત્યંત મહત્વની અને તાકીદની એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સોમવારે, ૨૩ ફેબ્રુઆરીના રોજ જારી કરાયેલા આદેશમાં ઈરાનમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને ઉપલબ્ધ પરિવહન સાધનો, ખાસ કરીને કોમર્શિયલ ફ્લાઈટ્સનો ઉપયોગ કરીને વહેલી તકે ઈરાન છોડી દેવાની સલાહ આપવામાં આવી છે.
સતર્ક રહેવા અને અશાંત વિસ્તારોથી દૂર રહેવા સૂચના
વિદેશ મંત્રાલયે અગાઉ ૧૪ જાન્યુઆરીએ જારી કરેલી પોતાની સલાહને દોહરાવતા જણાવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળની વ્યક્તિઓ (PIOs) એ હાલની સ્થિતિમાં ભારે સતર્કતા રાખવી જરૂરી છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે નાગરિકો વિરોધ-પ્રદર્શન કે અશાંતિ વાળા વિસ્તારોથી સુરક્ષિત અંતર જાળવે અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહે.
દૂતાવાસમાં રજીસ્ટ્રેશન અને હેલ્પલાઈન સુવિધા
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે નાગરિકોએ હજુ સુધી તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેઓએ આ પ્રક્રિયા વિલંબ વગર પૂર્ણ કરવી. જો ઈરાનમાં ઇન્ટરનેટની સેવા ખોરવાઈ હોય અને નિવાસીઓ જાતે રજીસ્ટ્રેશન ન કરી શકતા હોય, તો ભારતમાં રહેતા તેમના પરિવારજનો તેમના વતી આ પ્રક્રિયા પૂરી કરી શકે છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં સંપર્ક કરવા માટે દૂતાવાસ દ્વારા નીચે મુજબના હેલ્પલાઈન નંબરો અને ઈમેલ જારી કરવામાં આવ્યા છે:
 * મોબાઈલ નંબર્સ: +989128109115, +989128109109, +989128109102, +989932179359
 * ઈમેલ: [email protected]
અમેરિકાની સૈન્ય હિલચાલથી ચિંતામાં વધારો
ભારત સરકારની આ એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પોતાની સૈન્ય હાજરીમાં ધરખમ વધારો કર્યો છે. ન્યુક્લિયર વાટાઘાટોના અનિશ્ચિત ભવિષ્ય વચ્ચે અમેરિકાએ મધ્ય-પૂર્વ માટે "એર બ્રિજ" તૈયાર કર્યો હોવાના અહેવાલો છે. જર્મની, ઇટાલી અને સાઉથ કેરોલાઇનાના વિવિધ એર બેઝ પરથી F-16 ફાઇટીંગ ફાલ્કન, F-15E સ્ટ્રાઈક ઈગલ અને F-22 રેપ્ટર જેવા અત્યાધુનિક લડાયક વિમાનો મધ્ય-પૂર્વ તરફ રવાના કરવામાં આવ્યા છે.
ક્ષેત્રમાં વધતા સંભવિત સુરક્ષા જોખમોને જોતા ભારત સરકાર અત્યારે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે એહતિયાતી પગલાં ભરી રહી છે. વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે જરૂરિયાત મુજબ આગામી સમયમાં વધુ યોગ્ય સૂચનાઓ જારી કરવામાં આવશે.

(2:02 PM IST)