News of Monday, 23rd February 2026
જંગલેશ્વર બપોર સુધીમાં ૮૩૦થી વધુ બાંધકામોનો કડુસલો
મનપા તંત્ર દ્વારા છેલ્લી નોટીસ આપ્યા બાદ કાલ સુધી ૧ હજારથી વધુ મકાનો ખાલી કરી તોડી પડાયાઃ કામગીરીમાં ૬૪થી વધુ જેસીબી, ૮૪ ટ્રેકટર, ૭ હિટાચી મશીન, પ૦ ટ્રેકટર, ૪ર ગેસ કટર, ૧૪ ડમ્પરો સહિતની મશીનરી કામે લાગી

રાજકોટઃ શહેરના સંવેદનશીલ જંગલેશ્વર વિસ્તારમાં ત્રણ દિવસથી અનેક ગેરકાયદે દબાણો આસામીઓએ જાતે ખાલી કરી તોડયા બાદ આજે સવારથી મહાપાલિકા અને પોલીસ તંત્રએ મેગા ડિમોલીશન શરૂ કર્યુ છે. જંગલેશ્વરની અમુક શેરીઓ કે જયાં કોઇ દિવસ રીક્ષા કે કાર પણ જઇ શકે એવી જગ્યા ન હતી ત્યાં આજે બુલડોઝર દોડતા આ વિસ્તારમાં આજીનદી પટ્ટા તથા ટીપી રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરવાની કાર્યવાહી અંતર્ગત મનપા દ્વારા બપોરના ર વાગ્યા સુધીમાં ૮૩૦થી વધુ બાંધકામોનું દબાણો દૂર કરવામાં આવ્યું હતું. મનપા તંત્ર દ્વારા સતાવાર જણાવવામાં આવ્યું હતું.
દાયકાઓ જુના અને રોડ તથા નદીના વહેણને રોકી દેતા ૧૪૦૦થી વધુ બાંધકામો તોડવામાં કાર્યવાહી વખતે મનપા અને પોલીસ તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ જેસીબી સહિતના સાધનો સાથે ખડેપગે રહ્યા છે.
મનપા અને પોલીસ તંત્ર દ્વારા આ ઓપરેશનની તૈયારીઓ કરવામાં આવી છે. સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત હેઠળ આ કામગીરી દોઢ હજાર જેટલા કર્મચારીઓ, પોલીસ જવાનો, મનપાના તમામ વિભાગના વર્ગ-૧થી માંડી વર્ગ-૩ના કર્મચારીઓ સામેલ છે. મનપાએ જાતે દબાણ હટાવનાર લોકો માટે સામાન ફેરવવા ટ્રેકટરની વ્યવસ્થા પણ કરી હતી.
ત્રણ દિવસથી કોર્પો.ના ડે.કમિશનર સહિતના અધિકારીઓની ટીમ વિસ્તારોમાં ફરી રહી છે. ટીપી, ફાયર, સોલીડ વેસ્ટ, બાંધકામ, રોશની, આરોગ્ય વિભાગ સહિતની ટીમો જંગલેશ્વરમાં આજે સવારમાં પહોંચી ગઇ હતી દબાણકારોને હાઇકોર્ટમાંથી સ્ટે ન મળતા અને જાતે બાંધકામો દુર કરવા લાગતા એક રીતે વિસ્તાર ખાલી કરાવવાની કામગીરી શરૂ થઇ ચૂકી હતી.
ઓપરેશન પર કંટ્રોલ રૂમમાંથી નજર રાખવા સાથે રપ ડ્રોન કેમેરા, ૩૦ વોકીટોકી સેટ પણ અધિકારીઓને આપવામાં આવ્યા છે. ૮૦ ફુટ રોડ પર સોરઠીયા વે-બ્રીજથી જમણી બાજુ જંગલેશ્વરમાં પ્રવેશી, અંદરથી નિલકંઠ સિનેમા પાછળના વિસ્તાર, નિલકંઠ પાર્ક, કોઠારીયા રોડ પર કેદારનાથ સોસાયટીના ગેટ પાછળના વિશાળ વિસ્તારમાં આ દબાણો પથરાયેલા છે.
આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મનપાના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સતત મોનીટરીંગ કરી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં સમગ્ર કામગીરીને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા વિસ્તારને ૭ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.
દરેક ઝોનમાં વર્ગ-૧ સહિતના અધિકારીઓ તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફીલ્ડ કર્મચારીઓની ટીમ સાથે વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. તમામ સાત ઝોનમાંથી ડ્રોન સહિતની વયવસ્થા સાથે સંપૂર્ણ સંકલન થાય છે.
આ કામગીરીમાં ૬૪થી વધુ જેસીબી, ૮૪ ટ્રેક્ટર, ૭ હિટાચી મશીન, ૫૦ ટ્રેક્ટર બે્રકર, ૪૨ ગેસ કટર, ૧૪ ડમ્પર અને મોટી સંખ્યામાં મજૂરો, ટેકનિકલ સ્ટાફ અને સુપરવિઝન ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
