News of Monday, 23rd February 2026
ઓનલાઇન શોપિંગમાં મોટો ખેલ: ₹60,000નો કેમેરો ઓર્ડર કર્યો ને બદલામાં મળ્યું વોશિંગ પાવડરનું પેકેટ! એમેઝોનના ગ્રાહક સાથે હુબલીમાં છેતરપિંડી
હોટલના સરનામે મંગાવેલો મોંઘોદાટ કેમેરો નીકળ્યો સાબુનો પાવડર; કસ્ટમર કેરના ધક્કા ખાઈને થાકેલા બિઝનેસમેને અંતે મીડિયાનો સહારો લીધો

હુબલી, તા.૨૩: ઓનલાઇન શોપિંગના શોખીનો માટે લાલબત્તી સમાન એક કિસ્સો કર્ણાટકના હુબલીમાંથી સામે આવ્યો છે. એક તરફ ઈ-કોમર્સ કંપનીઓ ઝડપી ડિલિવરીના દાવા કરે છે, તો બીજી તરફ હજારો રૂપિયા ખર્ચવા છતાં ગ્રાહકોને માલને બદલે પથ્થર કે પાવડર મળવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. હુબલીમાં કામ અર્થે આવેલા એક પ્રવાસી ઉદ્યોગપતિ સાથે એમેઝોન પર ₹60,990ની છેતરપિંડી થઈ હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે.
શું છે સમગ્ર મામલો?
મૂળ શારજાહના ઉદ્યોગપતિ આલ્ફ્રેડ કોઈ કામ માટે હુબલીની એક હોટલમાં રોકાયા હતા. તેમણે પોતાના વિદેશી મિત્રને ગિફ્ટ આપવા માટે એમેઝોન પરથી ₹60,990ની કિંમતનો એક હાઈ-એન્ડ કેમેરો ઓર્ડર કર્યો હતો. પેમેન્ટ પણ ઓનલાઇન ડેબિટ કાર્ડથી કરી દેવામાં આવ્યું હતું. બે દિવસ પછી જ્યારે પાર્સલ હોટલ પર પહોંચ્યું અને આલ્ફ્રેડે ઉત્સાહભેર બોક્સ ખોલ્યું, ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. બોક્સની અંદર કેમેરાને બદલે વોશિંગ પાવડરના બે પેકેટ રાખેલા હતા!
કસ્ટમર કેરનો ઉદ્ધત વ્યવહાર
છેતરપિંડીનો ભોગ બનેલા આલ્ફ્રેડે તાત્કાલિક એમેઝોનના કસ્ટમર કેર વિભાગમાં ફોન કર્યો, પરંતુ ત્યાંથી તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. કલાકો સુધી ફોન વ્યસ્ત આવતા રહ્યા અથવા કોઈએ રિસીવ કરવાની તસ્દી લીધી નહીં. ઘણી જહેમત બાદ ફરિયાદ નોંધાઈ તો કંપનીએ 'તપાસ કરીને એક અઠવાડિયામાં જણાવીશું' તેવો ટૂંકો જવાબ આપીને હાથ ઊંચા કરી દીધા.
"ભારતમાં છેતરપિંડીનો અનુભવ થયો"
આલ્ફ્રેડે મીડિયા સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, "મેં વર્ષો સુધી દુબઈમાં રહીને એમેઝોન પરથી ખરીદી કરી છે પણ ત્યાં ક્યારેય આવી સમસ્યા નથી આવી. અહીં ભારતમાં હજારો રૂપિયા ચુકવ્યા છતાં મારી સાથે છેતરપિંડી થઈ છે અને કંપનીના અધિકારીઓ પણ સરખો જવાબ નથી આપી રહ્યા."
ગ્રાહકો માટે સાવચેતીનો સંદેશ
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઓનલાઇન મોંઘી વસ્તુઓ મંગાવતી વખતે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જો તમે પણ કોઈ કિંમતી વસ્તુ ઓર્ડર કરો છો, તો ડિલિવરી બોયની હાજરીમાં જ 'ઓપન બોક્સ ડિલિવરી'નો આગ્રહ રાખવો અથવા પેકેજ ખોલતી વખતે તેનો વીડિયો શૂટ કરવો હિતાવહ છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
