News of Monday, 23rd February 2026
IIM રાંચીમાં આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાતી સિનેમાનો દબદબો જોવા મળ્યો : ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' ની જ્વલંત સફળતાનું વિશ્લેષણ કર્યું
ફિલ્મની સફળતા પાછળ મોંઘીદાટ જાહેરાતો નહીં, પરંતુ 'ઓર્ગેનિક વાયરલ માર્કેટિંગ' જવાબદાર હતું : વિશ્લેષકો દ્વારા તારણ : આ કોન્ફરન્સની થીમ "પ્રાદેશિક સિનેમા: ભાષાકીય વિવિધતા અને સાંસ્કૃતિક વિશિષ્ટતા" રાખવામાં આવી

નવી દિલ્હી તા.૨૩ : ભારતીય પ્રાદેશિક સિનેમામાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જે રીતે ક્રાંતિ લાવી રહ્યો છે, તેની ગુંજ હવે દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં સંભળાઈ રહી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) રાંચી દ્વારા આયોજિત 'ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઇન્ડિયન સિનેમા' માં ગુજરાતી ફિલ્મોના માર્કેટિંગ કૌશલ્ય અને પ્રેક્ષકોની મનોવૃત્તિ પરના બે ગહન સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સની થીમ "પ્રાદેશિક સિનેમા: ભાષાકીય વિવિધતા અને સાંસ્કૃતિક વિશિષ્ટતા" રાખવામાં આવી હતી.
'લાલો' ફિલ્મ: હાઇપર-લોકલ માર્કેટિંગનો જાદુ
LJ યુનિવર્સિટી (LJIMC) ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હાર્દિક સોલંકીએ તેમના સંશોધન પત્ર "The ‘Laalo’ Phenomenon: A Study on Organic Viral Marketing and Cultural Resonance in Gujarati Cinema" દ્વારા ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' ની જ્વલંત સફળતાનું વિશ્લેષણ કર્યું હતું.
સંશોધનના મુખ્ય મુદ્દાઓ
24,000% નફો: ડૉ. સોલંકીએ જણાવ્યું કે આ ફિલ્મે 14,000% થી 24,000% જેવો અકલ્પનીય નફો મેળવ્યો છે, જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં વિરલ છે.
ઓર્ગેનિક વાયરલ સ્પાયરલ: ફિલ્મની સફળતા પાછળ મોંઘીદાટ જાહેરાતો નહીં, પરંતુ 'ઓર્ગેનિક વાયરલ માર્કેટિંગ' જવાબદાર હતું. સોશિયલ મીડિયા પર 'દર્શન' ઇફેક્ટ અને FOMO (ફિયર ઓફ મિસિંગ આઉટ) ને કારણે ગ્રામીણ અને શહેરી પ્રેક્ષકો થિયેટર સુધી ખેંચાઈ આવ્યા હતા.
સાંસ્કૃતિક જોડાણ: હાઇપર-લોકલ કન્ટેન્ટ અને લોકોની આસ્થા સાથેના જોડાણને કારણે આ ફિલ્મ એક સામાજિક ચળવળમાં પરિવર્તિત થઈ હતી.
ગુજરાતી સિનેમાનો 'ન્યૂ વેવ' અને શહેરી પ્રેક્ષકો
બીજા મહત્વના સંશોધનમાં ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર પ્રશાંત કુહીકર અને ડૉ. ભૂષણ કંકલે (PhD, MICA) "New Wave audience of Regional Cinema: The Gujarat Paradox" વિષય પર પેપર રજૂ કર્યું હતું. આ અભ્યાસ 448 પ્રેક્ષકો અને 8 ફિલ્મ નિષ્ણાતોના ગહન પ્રતિભાવો પર આધારિત છે.
આ સંશોધનના તારણોએ ગુજરાતી સિનેમાના ભવિષ્યનો નકશો રજૂ કર્યો છે:
વિશ્વાસની ખોટ (Trust Deficit) માં ઘટાડો: અગાઉ શહેરી પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મો જોવાનું ટાળતા હતા, પરંતુ આધુનિક વાર્તાઓ અને ઉચ્ચ સ્તરની સિનેમેટોગ્રાફીને કારણે હવે 'ન્યૂ વેવ' પ્રેક્ષકો ફરીથી ગુજરાતી સિનેમા તરફ વળ્યા છે.
ટેક્નોલોજી-સેવી યુવા વર્ગ: આજના યુવાનો વૈશ્વિક કક્ષાની પ્રોડક્શન વેલ્યુ ઈચ્છે છે. ગુજરાતી ફિલ્મો હવે ટેક્નિકલ રીતે સજ્જ થઈ રહી છે, જે આધુનિક યુવા વર્ગની અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી છે.
ગ્રામીણથી આધુનિકતા તરફ: ગુજરાતી સિનેમા હવે માત્ર લોકકથાઓ પૂરતું મર્યાદિત ન રહેતા શહેરી જીવનશૈલી અને જટિલ વિષયોને પણ અસરકારક રીતે રજૂ કરી રહ્યું છે.
IIM રાંચી ખાતે રજૂ થયેલા આ સંશોધનો એ વાતની પુષ્ટિ કરે છે કે ગુજરાતી સિનેમા હવે માત્ર સ્થાનિક સ્તરે મનોરંજન પૂરતું મર્યાદિત નથી. તે એક મજબૂત આર્થિક મોડેલ અને સાંસ્કૃતિક બ્રાન્ડ તરીકે વૈશ્વિક ફલક પર ઉભરી રહ્યું છે. માર્કેટિંગના આધુનિક સાધનો અને કન્ટેન્ટમાં આવેલી ગુણવત્તાએ ગુજરાતી સિનેમાને ભારતીય પ્રાદેશિક સિનેમાનું 'પાવરહાઉસ' બનાવ્યું છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
