News of Monday, 23rd February 2026
સાવધાન! AI વાપરવું પડી શકે છે ભારે: લાખો યુઝર્સનો ૧૨ TB ડેટા લીક, તમારી અંગત તસવીરો અને વીડિયો પણ જોખમમાં!
ગૂગલ પ્લે સ્ટોરની લોકપ્રિય 'AI આર્ટ જનરેટર' એપથી સર્જાયું મોટું સંકટ; KYC ડેટા લીક થતા અમેરિકાથી લઈને ભારત સુધીના લોકો પ્રભાવિત

રાજકોટ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં આપણે માત્ર એક ક્લિક પર સુંદર તસવીરો અને વીડિયો બનાવી લઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ મજા તમારા માટે સજા બની શકે છે? હાલમાં જ સિક્યુરિટી રિસર્ચર્સે એક ભયાનક ડેટા લીકનો પર્દાફાશ કર્યો છે. એક જાણીતી AI એપ અને KYC વેરિફિકેશન પ્લેટફોર્મ પરથી લાખો લોકોની અત્યંત ખાનગી માહિતી ઇન્ટરનેટ પર ખુલ્લી પડી ગઈ છે, જેનાથી સાયબર ફ્રોડનો ખતરો અનેકગણો વધી ગયો છે.
૮૨ લાખ ફાઇલો અને ૧૨ TB ડેટા ચોરાયો
આ ઘટનાનું મુખ્ય કેન્દ્ર 'વિડિયો AI આર્ટ જનરેટર અને મેકર' (Video AI Art Generator & Maker) નામની એપ છે, જે પ્લે સ્ટોર પરથી ૫ લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ હતી. રિપોર્ટ મુજબ, ગૂગલ ક્લાઉડ સ્ટોરેજની એક નાનકડી ખામીને કારણે આ એપનો અંદાજે ૧૨ ટેરાબાઇટ (TB) ડેટા લીક થયો છે. આમાં ૧૫ લાખ ઈમેજ, ૩.૯૫ મિલિયન વીડિયો અને લાખો AI જનરેટેડ ફાઇલ્સ સામેલ છે. વર્ષ ૨૦૨૩થી અત્યાર સુધીમાં અંદાજે ૮૨ લાખ ફાઇલો ખોટા હાથોમાં પહોંચી ગઈ હોવાની આશંકા છે.
KYC ડેટા લીક થતા હજારો લોકો લાચાર
માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સુરક્ષા માટે વપરાતી 'IDMerit' નામની KYC એપ પરથી પણ ગંભીર ડેટા લીક થયો છે. આ એપ દ્વારા લોકોના ઓળખ પત્ર (ID Card), એડ્રેસ, ફોન નંબર અને બાયોમેટ્રિક જેવી સંવેદનશીલ માહિતી લીક થઈ છે. આનાથી અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ચીન અને બ્રાઝિલ જેવા દેશોના લાખો યુઝર્સ પ્રભાવિત થયા છે. જોકે, ડેવલપર્સે હવે એક્સેસ સિક્યોર કરી લીધું હોવાનો દાવો કર્યો છે, પરંતુ નુકસાન તો થઈ ચૂક્યું છે.
ડેટા ચોરીથી બચવા માટે આટલું ખાસ કરો:
• રિવ્યુ અને રેટિંગ તપાસો: કોઈ પણ નવી AI એપ ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યુ અને તે કઈ પરમિશન માંગે છે તે ખાસ જુઓ.
• બિનજરૂરી એક્સેસ ન આપો: ફોટો કે વીડિયો એડિટિંગ એપને તમારી કોન્ટેક્ટ લિસ્ટ કે લોકેશનની પરમિશન આપવાનું ટાળો.
• ટૂ-સ્ટેપ વેરિફિકેશન: તમારા તમામ સોશિયલ મીડિયા અને ક્લાઉડ એકાઉન્ટ્સ પર ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન રાખો.
પ્લે સ્ટોર પરથી એપ ગાયબ
આ કૌભાંડ બહાર આવ્યા બાદ, ગૂગલે સક્રિય થઈને આવી શંકાસ્પદ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. પરંતુ જો તમારા ફોનમાં પણ આવી કોઈ અજાણી AI એપ હોય, તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવી હિતાવહ છે. સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે મફતમાં મળતી દરેક સુવિધા સલામત હોતી નથી, ઘણીવાર તમારી અંગત માહિતી જ તેની કિંમત હોય છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
