તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
ફેબ્રુઆરીમાં જ મે મહિનો જેવો તાપ! દિલ્હી તો ઠીક, પણ શું ભારતના નાના શહેરો 'હીટવેવ'ના આ કહેરને જીરવી શકશે?
દેશના ૩૬માંથી ૨૭ મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો સામાન્યથી ઉપર; ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં ગ્રીન કવર ઘટતા 'અર્બન હીટ આઇલેન્ડ'નો ખતરો વધ્યો

રાજકોટ: હજુ તો હોળી-ધૂળેટીના આડે પણ વાર છે, ત્યાં જ સૂરજ દાદાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં ગુલાબી ઠંડીની વિદાય થતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ કઈક અલગ જ છે. ભારતના મોટાભાગના શહેરોમાં ફેબ્રુઆરીના અડધા ભાગમાં જ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે નોંધાયું છે. સવાલ માત્ર દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રો શહેરોનો નથી, પણ શું પ્રયાગરાજ, રાજકોટ કે હૈદરાબાદ જેવા નાના અને વિકાસશીલ શહેરો આ વધતી ગરમીનો સામનો કરવા માટે સજ્જ છે?
આંકડાઓ આપી રહ્યા છે જોખમની ચેતવણી
તાજેતરના ડેટા વિશ્લેષણ મુજબ, ભારતના ૩૬ મુખ્ય શહેરી કેન્દ્રોમાંથી ૨૭ શહેરોમાં ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં જ તાપમાન સામાન્ય સ્તરને વટાવી ગયું છે. દિલ્હીમાં તાપમાન ૩૧.૬°C એ પહોંચ્યું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં ફેબ્રુઆરીમાં નોંધાયેલું સૌથી વહેલું ઊંચું તાપમાન છે. તેલંગાણામાં તો પારો ૩૪°C થી ૩૭°C સુધી ઉછળ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પણ ફેબ્રુઆરીના મધ્યમાં જ ૩૦°C તાપમાન નોંધાતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.
નાના શહેરો માટે 'રેડ એલર્ટ'
એક નવા અભ્યાસ મુજબ, જો ગ્લોબલ વોર્મિંગ ૨°C જેટલું વધશે, તો ભારતના ટાયર-૨ અને ટાયર-૩ શહેરો તેમના આસપાસના ગ્રામીણ વિસ્તારો કરતા ૦.૭ થી ૦.૮°C વધુ ગરમ રહેશે. આનું મુખ્ય કારણ આ શહેરોમાં ઝડપથી ઘટતું જતું 'લીલું આવરણ' (Tree cover) અને સિમેન્ટ-કોંક્રિટના જંગલો છે. નાના શહેરોમાં ગરમીનો સામનો કરવા માટેની 'હીટ એક્શન પ્લાન' કાગળ પર તો છે, પરંતુ જમીની સ્તરે તેની અમલવારીમાં મોટું અંતર જોવા મળી રહ્યું છે.
વધતી ગરમીના મુખ્ય કારણો અને અસરો:
• ગ્રીન કવરનો અભાવ: શહેરીકરણના નામે વૃક્ષોના નિકંદનથી ગરમીનું શોષણ થતું નથી.
• અર્બન હીટ આઇલેન્ડ: શહેરોની ગીચતા અને વાહનોના ધુમાડાને કારણે તાપમાનમાં કુદરતી ઘટાડો થતો નથી.
• આરોગ્ય પર અસર: અકાળ ગરમીને કારણે હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે.
યોજના અને અમલીકરણ વચ્ચેની ખાઈ
નિષ્ણાતો માને છે કે ભારતીય શહેરોમાં ગરમીનો સામનો કરવા માટે પૂરતી હોસ્પિટલ સુવિધાઓ, ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા અને પૂરતા છાંયડાનો અભાવ છે. જો અત્યારે ફેબ્રુઆરીમાં આ હાલત હોય, તો એપ્રિલ-મે મહિનામાં સ્થિતિ કેટલી ભયાનક હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નાના શહેરોએ હવે માત્ર રોડ-રસ્તા નહીં, પણ 'કુદરતી વાતાવરણ' જાળવવા પર પણ ધ્યાન આપવું પડશે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
