News of Monday, 23rd February 2026
મેક્સિકોના સૌથી ખૂંખાર ડ્રગ લોર્ડ 'એલ મેન્ચો'નો ખાતમો: US એજન્સીઓના ઓપરેશનમાં $15 મિલિયનનું ઈનામ ધરાવતો ડોન ઠાર, મેક્સિકોમાં હિંસા ફાટી નીકળી
અમેરિકામાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર CJNG કાર્ટેલના સ્થાપકનું એન્કાઉન્ટરમાં મોત; આખા દેશમાં વાહનો સળગાવાયા અને હાઈવે બ્લોક કરાયા, પ્રવાસીઓમાં ભારે ફફડાટ

મેક્સિકો સિટી: મેક્સિકો અને અમેરિકાની સુરક્ષા એજન્સીઓને રવિવારે એક મોટી સફળતા મળી છે. મેક્સિકોનો મોસ્ટ-વોન્ટેડ અને જેના માથે અમેરિકાએ ૧૨૫ કરોડ રૂપિયા (15 Million USD) થી વધુનું ઈનામ જાહેર કર્યું હતું, તેવા ડ્રગ માફિયા નેમેસિયો રુબેન ઓસેગુએરા સર્વાન્ટેસ ઉર્ફે 'એલ મેન્ચો' નો અંત આવ્યો છે. મેક્સિકન સેના અને યુએસ ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં આ કુખ્યાત કાર્ટેલ લીડર માર્યો ગયો છે, જેના કારણે સમગ્ર મેક્સિકોમાં હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો છે.
રહેણાંક વિસ્તારમાં ભીષણ મુકાબલો
મેક્સિકન આર્મીના જણાવ્યા અનુસાર, જાલિસ્કો રાજ્યના તાપલપા શહેરમાં સૈનિકો અને કાર્ટેલના લડવૈયાઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં 'એલ મેન્ચો' ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે મેક્સિકો સિટી લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ તેના સમર્થકોએ રસ્તા પર ઉતરી આવી આતંક મચાવ્યો છે.
કોણ હતો આ ખૂંખાર 'એલ મેન્ચો'?
એલ મેન્ચો 'જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ' (CJNG) નો વડો હતો. તે માત્ર મેક્સિકો જ નહીં, પણ ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ અને આફ્રિકા સુધી ડ્રગ્સની હેરાફેરીનું સામ્રાજ્ય ચલાવતો હતો. ૧૯૯૪માં તે અમેરિકામાં હેરોઈન વેચતા ઝડપાયો હતો અને જેલમાંથી છૂટ્યા પછી તેણે પોતાનું અલગ જ કાર્ટેલ બનાવી લીધું હતું. તે અમેરિકામાં ઝેરીલા 'ફેન્ટાનાઈલ' ડ્રગ્સની દાણચોરી માટે મુખ્ય જવાબદાર માનવામાં આવતો હતો.
ડોનના મોત પછીની ભયાનક સ્થિતિ:
• વાહનોની હોળી: જાલિસ્કો, કોલિમા અને મિચોઆકન જેવા રાજ્યોમાં હથિયારધારી જૂથોએ બસો અને ટ્રકોને આગ ચાંપી દીધી છે.
• હાઈવે બ્લોક: અનેક મુખ્ય હાઈવે પર વાહનોના કાફલા અટકાવી દેવાયા છે, જેના કારણે પરિવહન ખોરવાયું છે.
• ફ્લાઇટ્સ રદ: સુરક્ષાના કારણોસર પ્રખ્યાત પર્યટન સ્થળ પ્યુઅર્ટો વલ્લર્ટા માટેની અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
પર્યટકો અને નાગરિકોને ઘરમાં રહેવા આદેશ
મેક્સિકન સત્તાવાળાઓએ હિંસાને જોતા રહેવાસીઓ અને વિદેશી મુલાકાતીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એરલાઇન્સ અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પણ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી મુસાફરી ટાળવી. એલ મેન્ચોના મૃત્યુથી સિનાલોઆ જેવા હરીફ કાર્ટેલ સાથેના લોહિયાળ જંગમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
