<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ટ્રમ્પનો ‘ટેરિફ બોમ્બ’ ફૂટ્યો: બ્રિટન-યુરોપમાં હડકંપ : પણ ભારત માટે કમાણીનો નવો માર્ગ ખુલ્યો!

યુએસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટ્રમ્પનો ૧૫ ટકાનો વૈશ્વિક ટેક્સ – પહેલા ૨૫ ટકા ટેક્સ ભરતું ભારત હવે ૧૫ ટકાના દાયરામાં આવતા નિકાસકારોમાં ખુશીની લહેર : ચીનને રાહત પણ બ્રિટનને ૪ અબજ ડોલરનો મોટો ફટકો

નવી દિલ્હી : વૈશ્વિક વેપાર જગતમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે ભૂકંપ લાવી દીધો છે. યુએસ સુપ્રીમ કોર્ટે જૂના ટેરિફ રદ કર્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા તમામ દેશોની આયાત પર ૧૫ ટકાનો નવો વૈશ્વિક કર (Global Tariff) લાદી દીધો છે. આ આદેશથી વિશ્વના મોટાભાગના દેશો સ્તબ્ધ છે, પરંતુ ભારત માટે આ ‘આફતમાં અવસર’ જેવી સ્થિતિ છે. અગાઉ ભારત પર ૨૫ થી ૫૦ ટકા સુધીના આકરા ટેક્સ હતા, જે હવે ઘટીને ૧૫ ટકા થઈ જશે. આ ફેરફારને કારણે ભારતીય માલ અમેરિકામાં સસ્તો થશે અને ટેક્સના બોજમાં મોટી રાહત મળતા ભારતની પ્રગતિના નવા દ્વાર ખુલશે.

બીજી તરફ, આ નિર્ણયથી અમેરિકાના સૌથી ખાસ મિત્ર ગણાતા બ્રિટનને લોહીના આંસુ રોવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી બ્રિટન માત્ર ૧૦ ટકા ટેક્સના જોરે અમેરિકામાં ધૂમ વેપાર કરતું હતું, પરંતુ હવે ૧૫ ટકાના સમાન ટેક્સને કારણે બ્રિટિશ કંપનીઓ પર ૪ અબજ ડોલરનો વધારાનો બોજ પડશે. આશરે ૪૦,૦૦૦ બ્રિટિશ કંપનીઓ આ આર્થિક સંકટમાં ફસાઈ શકે છે. ઇટાલી અને સિંગાપોર જેવા દેશો પણ આ નિર્ણયથી ચિંતિત છે. ચીન માટે પણ આ નિર્ણય રાહતજનક રહ્યો છે, કારણ કે તેના પરના અનેક આકરા પ્રતિબંધો કોર્ટના ચુકાદા બાદ હળવા થયા છે, જેનાથી ડ્રેગને અમેરિકાને એકપક્ષીય નીતિઓ ત્યાગવાની સલાહ આપી છે.

યુરોપિયન યુનિયનએ ટ્રમ્પના આ પગલા સામે મોરચો માંડ્યો છે. યુરોપિયન કમિશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે અમેરિકાએ જૂના કરારોનું પાલન કરવું જ પડશે. ટ્રમ્પના આ ૧૫ ટકાના નિયમને કારણે યુરોપિયન સંસદે અમેરિકા સાથેના આગામી વેપાર કરારોની મંજૂરી પ્રક્રિયા પણ અટકાવી દીધી છે. ટૂંકમાં, ટ્રમ્પની આ ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિએ મિત્ર દેશોને નારાજ કર્યા છે, પરંતુ ભારત, ચીન અને બ્રાઝિલ જેવા ઉભરતા અર્થતંત્રો માટે અમેરિકાના બજારમાં પગપેસારો કરવાનો આ સોનેરી સમય છે. હવે જોવાનું એ રહેશે કે ભારત આ ૧૫ ટકાના નીચા ટેક્સનો લાભ લઈને પોતાની નિકાસમાં કેટલો મોટો ઉછાળો લાવે છે.

(7:02 PM IST)