<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

PF ખાતાધારકોની લાગી લોટરી! હવે ઓફિસના ધક્કા ખાધા વગર ખાતામાં આવશે રોકડા રૂપિયા : સરકારે લીધો મોટો નિર્ણય

EPFO ના ૩૧ લાખ નિષ્ક્રિય ખાતાઓમાં જમા ₹૧૦,૯૦૩ કરોડના ફંડનો રસ્તો સાફ : ₹૧,૦૦૦ સુધીની રકમ કોઈપણ અરજી વગર સીધી બેંકમાં જમા થશે : આધાર લિંક હોય તેવા ૬ લાખ ખાતાધારકોને પહેલા તબક્કે થશે સીધો ફાયદો

નવી દિલ્હી:   જો તમે પણ ભૂતકાળમાં નોકરી બદલી હોય અને તમારા જૂના PF ખાતામાં થોડી રકમ પડી રહી હોય, તો હવે તમારે કોઈ જટિલ ફોર્મ ભરવાની કે EPFO ઓફિસના ચક્કર કાપવાની જરૂર નથી. શ્રમ મંત્રાલયે એક ક્રાંતિકારી જાહેરાત કરતા જણાવ્યું છે કે, બંધ પડેલા PF ખાતાના પૈસા હવે કોઈપણ કાગળ વગર સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સામાન્ય રીતે નાની રકમ ઉપાડવા માટે પીપીએફની લાંબી પ્રક્રિયાને કારણે લોકો પોતાના પૈસા જતા કરતા હતા, પરંતુ હવે સરકારે આ સમસ્યાનો અંત લાવવા માટે 'ઓટોમેટિક રિફંડ' સિસ્ટમ લોન્ચ કરી છે.

નિયમો અનુસાર, જે EPFO ખાતામાં સતત ત્રણ વર્ષ સુધી કોઈ વ્યવહાર થયો નથી તેને 'નિષ્ક્રિય' ગણી લેવામાં આવે છે. આ નવી યોજના હેઠળ, ₹૧,૦૦૦ કે તેથી ઓછી રકમ ધરાવતા ખાતાધારકોને પ્રાથમિકતા આપવામાં આવશે. હાલમાં આ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે ૬ લાખ એવા ખાતાધારકોની પસંદગી કરવામાં આવી છે જેમના ખાતા આધાર કાર્ડ સાથે લિંક છે. આ નસીબદાર ખાતાધારકોના બેંક એકાઉન્ટમાં ટૂંક સમયમાં ₹૩૦.૫૨ કરોડની કુલ રકમ જમા કરવામાં આવશે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે, તો બાકીના ૨૫ લાખથી વધુ ખાતાધારકો માટે પણ આ જ પ્રક્રિયા અમલી બનશે.

આંકડાઓ પર નજર કરીએ તો, દેશભરમાં કુલ ૩૧.૮૬ લાખ નિષ્ક્રિય EPFO ખાતાઓ છે, જેમાં અંદાજે ₹૧૦,૯૦૩ કરોડની જંગી રકમ વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. ઘણા કિસ્સામાં લોકો નોકરી બદલ્યા બાદ જૂના એકાઉન્ટને ભૂલી જતા હતા અથવા નાની રકમ માટે કાગળકામની માથાકૂટ ટાળતા હતા. પરંતુ હવે સરકારના આ નિર્ણયથી લાખો સભ્યોને કોઈપણ મુશ્કેલી વિના તેમના જ નાણાં સરળતાથી પરત મળી જશે. વર્ષોથી અટવાયેલા આ ભંડોળનો નિકાલ થવાથી EPFO પરનું વહીવટી ભારણ પણ ઘટશે અને સામાન્ય નાગરિકોના ખિસ્સામાં તેમના હકના પૈસા પહોંચશે.

(7:04 PM IST)