તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 23rd February 2026
ભારત-કેનેડા સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ: પીએમ માર્ક કાર્ની મુંબઈ અને દિલ્હીના પ્રવાસે : મોદી સાથે કરશે ‘પાવર પેક્ડ’ મુલાકાત!
૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતા ઐતિહાસિક પ્રવાસમાં આર્થિક અને સામરિક સેતુ મજબૂત થશે : AI, સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે મોટા કરારોની શક્યતા : ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત-કેનેડાની નવી કેમિસ્ટ્રી પર દુનિયાની નજર

નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં લાંબા સમય બાદ એક મોટો વળાંક આવવા જઈ રહ્યો છે. કેનેડાના નવા પ્રધાનમંત્રી માર્ક કાર્ની ૨૬ ફેબ્રુઆરીએ ભારતની ૧૦ દિવસીય એશિયાઈ યાત્રાના ભાગરૂપે મુંબઈ ઉતરશે. ભારત-કેનેડાના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી રહેલી કડવાશને દૂર કરવા અને સહયોગના નવા ક્ષેત્રો શોધવા માટે પીએમ કાર્નીની આ મુલાકાત અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે. મુંબઈમાં ભારતના ટોચના બિઝનેસ લીડર્સ સાથે બેઠક કર્યા બાદ તેઓ નવી દિલ્હી જશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની હાઈ-લેવલ મુલાકાત યોજાશે.
આ મુલાકાતનો મુખ્ય એજન્ડા વેપાર અને ટેકનોલોજી પર કેન્દ્રિત હશે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઉર્જા સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી શક્તિને કેનેડા પોતાના અર્થતંત્ર સાથે જોડવા માંગે છે. પીએમ મોદી અને માર્ક કાર્ની વચ્ચે ટેલેન્ટ એક્સચેન્જ, સંસ્કૃતિ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અંગે પણ ગહન ચર્ચા થવાની છે. કેનેડિયન પીએમની આ મુલાકાતનો હેતુ માત્ર દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો જ નથી, પરંતુ કેનેડિયન કામદારો અને વેપારીઓ માટે ભારતના વિશાળ બજારના દ્વાર ખોલવાનો પણ છે.
ભારતનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પીએમ કાર્ની ઓસ્ટ્રેલિયા અને જાપાનની પણ મુલાકાત લેવાના છે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં તેઓ ૨૦ વર્ષ બાદ એવા પહેલા કેનેડિયન પીએમ બનશે જે ઓસ્ટ્રેલિયન સંસદને સંબોધશે. ત્યારબાદ જાપાનમાં પીએમ તકાઈચી સાને સાથે મુલાકાત કરીને તેઓ સ્વચ્છ ઉર્જા અને ફૂડ સિક્યુરિટી જેવા મુદ્દાઓ પર સહયોગ વધારશે. માર્ક કાર્નીની આ ‘થ્રી નેશન ટૂર’ દર્શાવે છે કે કેનેડા હવે એશિયાના શક્તિશાળી લોકશાહી દેશો સાથે મળીને સુરક્ષા અને સમૃદ્ધિનો નવો નકશો તૈયાર કરવા માંગે છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
