News of Monday, 23rd February 2026
"માનવ અધિકારો પર વિશ્વવ્યાપી જોખમ": UN ચીફ ગુટેરેસની ગંભીર ચેતવણી; ગાઝા, યુક્રેન અને સુદાનમાં આંતરરાષ્ટ્રીય કાયદાના ધજાગરા ઉડ્યા
જીનીવામાં માનવ અધિકાર પરિષદના પ્રારંભે મહાસચિવનો કડક સુર: "માનવીય મૂલ્યો કોઈ વૈકલ્પિક વસ્તુ નથી"; અમેરિકાના ખસી જવા અને ફંડના કાપ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત

જીનીવા,: વિશ્વ અત્યારે લોહીયાળ સંઘર્ષો અને માનવીય સંવેદનાઓના દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે દુનિયાના શક્તિશાળી દેશોને જગાડવા માટે એક ગંભીર ચેતવણી આપી છે. જીનીવા ખાતે માનવ અધિકાર પરિષદના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા ગુટેરેસે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં માનવ અધિકારો પર અત્યારે 'અભૂતપૂર્વ હુમલો' થઈ રહ્યો છે અને માનવીય ગરિમાને જાણી જોઈને નબળી પાડવામાં આવી રહી છે.
યુદ્ધ અને નાગરિકોની વેદના
મહાસચિવે ખાસ કરીને ગાઝા પટ્ટી, યુક્રેન અને સુદાનના સંઘર્ષોનો ઉલ્લેખ કરીને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ લાલબત્તી ધરી હતી. તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં જે રીતે આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનું વ્યાપક ઉલ્લંઘન થઈ રહ્યું છે, તેનાથી લાખો નાગરિકો અસહ્ય પીડા ભોગવી રહ્યા છે. તેમણે તમામ સભ્ય દેશોને સખત શબ્દોમાં વિનંતી કરી કે, "માનવ અધિકારોનું પાલન કરવું એ તમારી ઈચ્છા પર નિર્ભર વૈકલ્પિક બાબત નથી, પણ એક અનિવાર્ય જવાબદારી છે."
UN પ્રણાલી પર અસ્તિત્વનું સંકટ
સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પ્રણાલી અત્યારે પોતે જ મોટા સંકટમાંથી પસાર થઈ રહી હોવાનો સ્વીકાર ગુટેરેસે કર્યો હતો. તેમણે નોંધ્યું કે:
• ભંડોળનો કાપ: યુએનની સંસ્થાઓના બજેટમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.
• નિષ્ણાતો પર હુમલા: સ્વતંત્ર તપાસકર્તાઓ અને નિષ્ણાતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
• અમેરિકાની પીછેહઠ: યુનાઇટેડ સ્ટેટ્સ જેવી મોટી સત્તા યુએનની મુખ્ય જવાબદારી પદ્ધતિઓમાંથી ખસી જતાં સંસ્થાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે.
વૈશ્વિક માનવ અધિકાર કટોકટીના મુખ્ય કેન્દ્રો:
• ગાઝા પટ્ટી: નાગરિકોની સુરક્ષા અને માનવીય સહાયમાં અવરોધો.
• યુક્રેન: લાંબા સમયથી ચાલતા યુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઉલ્લંઘન.
• સુદાન: આંતરિક સંઘર્ષને કારણે સર્જાયેલી વિસ્થાપનની મોટી કટોકટી.
જવાબદારીમાંથી છટકતા દેશો સામે લાલ આંખ
ગુટેરેસે સ્પષ્ટ કર્યું હતું કે જો વિશ્વના દેશો પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓમાંથી છટકી જશે, તો આવનારી પેઢી ક્યારેય માફ નહીં કરે. સંયુક્ત રાષ્ટ્રના બચાવમાં તેમણે કહ્યું કે આ સંસ્થા વૈશ્વિક શાંતિ માટેનો છેલ્લો પાયો છે અને તેને નબળી પાડવી એ આખી માનવજાત માટે જોખમી સાબિત થશે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
