<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

નેપાળના બીરગંજમાં ધાર્મિક હિંસા બાદ અનિશ્ચિત મુદ્દતનો કર્ફ્યુ: સેનાએ રસ્તાઓ પર કરી કૂચ, ભારત-નેપાળ સરહદ 'હાઈ એલર્ટ' પર

બે જૂથો વચ્ચે ભીષણ પથ્થરમારો અને હિંસામાં અનેક લોકો લોહીલુહાણ; મુખ્ય આરોપી ફરાર થતા તણાવ વધ્યો, રક્સૌલ સરહદે અવરજવર ઠપ્પ

બીરગંજ (નેપાળ): ભારતની સરહદને અડીને આવેલા નેપાળના વ્યૂહાત્મક શહેર બીરગંજમાં રવિવારે મોડી રાત્રે ફાટી નીકળેલી કોમી હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે પારસા જિલ્લા વહીવટીતંત્રે આજે સવારે ૯:૪૫ વાગ્યાથી સમગ્ર બીરગંજ મેટ્રોપોલિટન વિસ્તારમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ ઝીંકી દીધો છે. પોલીસના લાઠીચાર્જ છતાં સ્થિતિ કાબૂમાં ન આવતા હવે નેપાળ સેના અને સશસ્ત્ર પોલીસ દળ (APF) એ કમાન સંભાળી લીધી છે.
હિંસાનું કારણ અને લોહિયાળ અથડામણ
બીરગંજના વોર્ડ નંબર ૧૧ ના શ્રીપુર વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ નજીક નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આરોપ છે કે રસ્તા પર ઉભેલા સ્થાનિક યુવાનો પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ હિંસામાં લાલન મહતો અને ધીરજ સાહા સહિત અડધો ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નારાયણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજકીય કનેક્શન અને ફરાર આરોપી
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે આ હિંસાનો મુખ્ય આરોપી મોહમ્મદ નિઝામ છે, જે સત્તાધારી પક્ષ CPN (UML) ની મધેશ રાજ્ય સમિતિનો સભ્ય છે. હાલમાં તે ફરાર છે અને પોલીસ તેના ઘરે દરોડા પાડી રહી છે. સ્થાનિકોનો દાવો છે કે આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા જાણીજોઈને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનું આ એક સુનિયોજિત કાવતરું હોઈ શકે છે.
 
ભારત-નેપાળ સરહદ પર અસર:
•    ટ્રાફિક અને વેપાર ઠપ્પ: બીરગંજમાં કર્ફ્યુ લાદવામાં આવતા રક્સૌલ અને બીરગંજ વચ્ચેના મૈત્રી પુલ પર અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે.
•    બજાર પર ફટકો: હોળી અને લગ્નસરાની ખરીદી માટે જતાં હજારો લોકો બંને બાજુ ફસાઈ ગયા છે, જેનાથી સરહદી વેપારને મોટું નુકસાન થયું છે.
•    SSB હાઈ એલર્ટ પર: ભારતીય સરહદ પર તૈનાત SSB અને સ્થાનિક પોલીસે પેટ્રોલીંગ વધારી દીધું છે જેથી સરહદ પારની હિંસાની અસર ભારતીય ક્ષેત્રોમાં ન પડે.
કડક સુરક્ષા બંદોબસ્ત
વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે કર્ફ્યુ દરમિયાન કોઈપણ પ્રકારના ધરણા, પ્રદર્શન કે સભા કરવા પર સખત પ્રતિબંધ છે. સેનાના જવાનો બખ્તરબંધ ગાડીઓ સાથે બીરગંજના ખૂણેખૂણે પેટ્રોલિંગ કરી રહ્યા છે. નેપાળ પ્રશાસને નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. હાલમાં આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયેલું છે અને સ્થિતિ ગંભીર છતાં નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાયું છે.

(8:20 PM IST)