News of Tuesday, 24th February 2026
મેટા-વોટ્સએપની શાન ઠેકાણે નિયમોનું પાલન કરવા બાંયધરી
૧૬ માર્ચથી યુઝર્સની મંજૂરી હશે તો જે તેનો ડેટા શેર કરી શકાશે

નવી દિલ્હી તા.૨૪: સુપ્રીમ કોર્ટના આકરા શબ્દોમાં અપાયેલા ઠપકા બાદ વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટાની શાન ઠેકાણે આવી ગઇ છે. આ બંને કંપનીઓએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રાઇવસી અને યુઝર્સની મંજૂરી લેવા સંબંધિત તમામ શરતો અને નિયમોનું પાલન કરવાના નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના આદેશનું અક્ષરશઃ પાલન કરવાની લેખિત બાંયધરી આપી હતી.
આ કંપનીઓની બાંયધરીનો અર્થ એમ કરી શકાય કે હવે યુઝર્સ પોતાની ઇચ્છા હશે તો જ પોતાનો ડેટા થર્ડ પાર્ટીને શેર કરી શકશે, અને જો તેને વાંધો હશે તો આ કંપનીઓ પોતાની રીતે તેનો ડેટા કોઇને શેર કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટનું આકરૂં સ્વરૂપ જોઇને આ બંને કંપનીઓએ ટ્રિબ્યુનલના આદેશ સામે મનાઇ હુકમ માંગવાની પણ હિમત કરી નહોતી.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ સર્વશ્રી જોયમલ્લા બાગ્ચી અને વિપુલ પંચોલીની બેંચે કંપનીના નિવેદન અને સોગંદનામાને રેકોર્ડ ઉપર લીધું હતું. મેટાને તમામ નિયમોનું પાલન કરવાની બાંયધરી આપતું સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે અરજદારે પણ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના આદેશ અનુસાર કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયામાં નિયમોનું પાલન થશે એવી બાંહેધરી આપતું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. આ બંને કંપનીઓએ આગામી ૧૬ માર્ચથી નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના આદેશનું પાલન કરવાનું શરૂ કરશે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
