<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

EPFOના ખાતેદારો આનંદોઃ ખાતામાં દાવા વગરની રકમ પરત થશે

ઈપીએફઓમાં હાલ ૩૧.૮૬ લાખ જેટલાં નિષ્‍ક્રિય ખાતાં છે જેમાં અંદાજે રૂ. ૧૦,૯૦૩ કરોડ જેટલી રકમ જમાં છે. જ્‍યારે આશરે ૭.૧૧ લાખ જેટલાં ખાતામાં રૂ.૧,૦૦૦ સુધીની દાવો કર્યા વગરની કુલ રૂ. ૩૦.૫૨ કરોડની રકમ જમાં છે. : બિનસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના બાળકોને રૂ.૨૫,૦૦૦ સુધીની સ્‍કોલરશિપ આપવાની જાહેરાત

નવી દિલ્‍હી તા.૨૪:  ઈપીએફઓ (એમ્‍પ્‍લોઈઝ પ્રોવિડન્‍ટ ફંડ ઓર્ગેનાઈઝેશન)ના લાખો ખાતેદારોને લાભ થાય તેવા એક નિર્ણયમાં શ્રમ મંત્રાલયે ઈપીએફઓના નિષ્‍ક્રિય એકાઉન્‍ટ્‍સમાં વર્ષોથી પડી રહેલી રકમ ખાતેદારોને પરત કરવાનો મહત્‍વનો નિર્ણય લીધો છે. મંત્રાલયના આ નિર્ણયથી આશરે ૩૧ લાખથી વધુ ખાતેદારોને લાભ થશે તેમ કેન્‍દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્‍યું હતું. આ ઉપરાંત શ્રમ મંત્રાલયે બિનસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના બાળકોને અપાતી શૈક્ષણિક સહાયમાં રૂ. ૨૫,૦૦૦ની મેરિટ આધારીત સ્‍કોલરશિપ આપવાનો પણ નિર્ણય કર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ગત સપ્તાહે માંડવિયાની અધ્‍યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયા બાદ ટૂંક સમયમાં પ્રાયોગિક તબક્કા હેઠળ આશરે ૭ લાખ જેટલાં ખાતેદારોને નાણાં પરત કરવાની કામગીરી શરૂ કરાશે. ઈપીએફઓમાં હાલ ૩૧.૮૬ લાખ જેટલાં નિષ્‍ક્રિય ખાતાં છે જેમાં અંદાજે રૂ. ૧૦,૯૦૩ કરોડ જેટલી રકમ જમાં છે. જ્‍યારે આશરે ૭.૧૧ લાખ જેટલાં ખાતામાં રૂ.૧,૦૦૦ સુધીની દાવો કર્યા વગરની કુલ રૂ. ૩૦.૫૨ કરોડની રકમ જમાં છે.

પ્રારંભિક તબક્કા માટે એવા એકાઉન્‍ટ્‍સ પસંદ કરાયાં છે, જેમની આધાર લિન્‍ક્‍ડ બેન્‍ક ખાતાની વિગતો ઈપીએફઓ પાસે ઉપલબ્‍ધ છે, જેથી ઈપીએફઓ સીધા જ આવા ખાતેદારોના બેન્‍ક એકાઉન્‍ટમાં નાણાં જમાં કરાવી દેશે. ઈપીએફ એન્‍ડ એમપી એક્‍ટની જોગવાઈઓ અનુસાર, પ્રોવિડન્‍ટ ફંડની બચત ઉપાડવા માટે લાભાર્થીએ દાવો કરવો જરૂરી છે. જોકે ઘણાં કિસ્‍સાઓમાં દસ્‍તાવેજોની આવશ્‍યક્‍તાની તુલનાએ બાકી રકમ ઘણી ઓછી હોવાથી સમયાંતરે ખાતામાં પડી રહેલી દાવા વગરની રકમમાં વધારો થતો રહે છે.

 

(10:06 AM IST)