<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

આજથી હોળાષ્ટકઃ ૨ માર્ચે હોળી પ્રાગટયઃ ૩ માર્ચે ગ્રહણ

૩ માર્ચના રોજ ચંદ્રગ્રહણ વચ્‍ચે ‘હોલી કબ હૈં..'ના પ્રશ્ને શહેરીજનોમાં ભારે ભેદભરમ

નવી દિલ્‍હી,તા.૨૪: હિન્‍દુ સમુદાયમાં ભારે મહાત્‍મ્‍ય ધરાવતા હોળી અને ધુળેટી પર્વને લઇને હલચલ દેખાઈ રહી છે. હોળી પ્રાગટ્‍ય એ ધાર્મિક, આધ્‍યાત્‍મિક અને વૈજ્ઞાનિક લ્લષ્ટિકોણ સાથે લોકોને જોડતું પર્વ છે. જ્‍યારે રંગોના પર્વ તરીકે ધુળેટીની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન આજે વહેલી સવારથી હોળાષ્ટક શરૂ થતાં જ હોળી પર્વની ઝાકમઝોળ શરૂ થઇ જશે. જોકે, ચાલુ વર્ષે ૩ માર્ચના રોજ ચંદ્રગ્રહણને પગલે હોળી પ્રાગટ્‍ય મુદે શહેરીજનોમાં ભારે ભેદભરમ સર્જાયા છે. ચર્ચા, અટકળો અને તર્કવિતર્ક વચ્‍ચે ૨ માર્ચના સોમવારે જ હોળી પ્રાગટ્‍ય કરવાનો મત જ્‍યોતિષીઓ આપી રહ્યાં છે.

જયોતિષશાસ્‍ત્ર અને પંચાગ પ્રમાણે હોળી પર્વના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટકનો આરંભ થાય છે. જ્‍યોતિષશાસ્‍ત્ર પ્રમાણે, ચાલુ વર્ષે ૨૪ ફેબ્રુઆરીના મંગળવારે વહેલી સવારે ૭:૦૩ વાગ્‍યાથી હોળાષ્ટકનો આરંભ થઇ જશે. મંગળવારના રોજ દુર્ગાષ્ટમી, વિષ્ટિ, જવાળામુખીયોગનો પણ સંયોગ જોવા મળશે. જયોતિષીઓના મત મુજબ, હોળાષ્ટક શબ્‍દ બે ભાગમાં એટલે કે હોળા અને અષ્ટક એમ વહેંચાયેલો છે. હોળી પહેલાના આઠ દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ દિવસો વેળાએ લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, નામકરણ જેવા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. હોલિકા દહન સાથે હોળાષ્ટક ઉતરે છે અને ફરી શુભકાર્યોની ઝાકમઝોળ દેખાઇ છે.

હોળાષ્ટક સાથે જોડાયેલી એક માન્‍યતા મુજબ, ભગવાન શિવે કોધે ભરાઈને કામદેવને ભષ્‍મ કરી દીધા હતા. તે સમયથી હોળાષ્ટક મનાવવામાં આવે છે. અન્‍ય માન્‍યતા મુજબ, આ આઠ દિવસ અસુર રાજા હિરણ્‍યકશ્‍યપે ભક્‍ત પ્રહ્‍લાદ પર ભારે અત્‍યાચાર ગુજાર્યો હતો. અંતમાં પ્રહ્‍લાદની રક્ષા માટે ભગવાન વિષ્‍ણુએ નરસિહ અવતાર લઈ હિરણ્‍યકશ્‍યપનો વધ કર્યો હતો. હોલિકાદહન પણ આ ઘટનાને આધારે મનાવવામાં આવે છે. આ સિવાય ભગવાન કૃષ્‍ણે આ આઠ દિવસ ગોપીઓ સાથે રંગોત્‍સવ ઉજવ્‍યો હોવાનું પણ માનવામાં આવે છે. આમ, જુદી જુદી માન્‍યતાઓને આધીન હોળાષ્ટકનો આરંભ થશે

૩ તારીખે થનારું ચંદ્રગ્રહણ ભારત દેશમાં દેખાશે

૩ માર્ચના મંગળવારના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. સિહ રાશિ અને પુર્વા ફાલ્‍ગુની નક્ષત્રમાં થનારું ચંદ્રગ્રહણ ભારતમાંથી દેખાશે. આ ગ્રહણ પૂર્વ એશિયા, પેસિફિક, અમેરિકા અને ભારતમાંથી દેખાશે. ૩ માર્ચના મંગળવારે બપોરે ૨:૧૪થી સાંજે ૫:૪૭ સુધી થનારું ચંદ્રગ્રહણ ધાર્મિક રીતે પાળવાનું રહેશે. એટલે મંદિરોમાં પણ વેધ, સૂતક સાથે ભક્‍તો માટે દર્શન બંધ કરાશે. ચંદ્રગ્રહણના સૂતકને કારણે જ ધુળેટી પર્વ ૩ માર્ચ નહીં, પરંતુ ૪ માર્ચના રોજ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે.

મહત્ત્વ અને પંચાગો જોતાં ૨ માર્ચે જ હોલિકા દહન

પૂર્ણિમા પણ સોમવારે જ છે. ધાર્મિક, ૨ માર્ચના સોમવારે સાંજે પુનમ શરૂ થાય છે. જોકે, મહત્ત્વ અને દરેક પંચાગના અંતિમ નિર્ણય પ્રમાણે સોમવારે શાયનકાળે હોલિકા દહન કરવું. પુર્ણિમાનો ચંદ્રોદય અને વ્રતની આધ્‍યાત્‍મિક સાથે વૈજ્ઞાનિક લાભ થાય તે માટે શરસવ, કપૂર, ગૂગળ, હવન સામગ્રી, સૂકું કોપરું, પતાસા, લવિંગ, મધને એકત્રિત કરીને હોળીમાં પ્રજ્જવલિત કરવાથી વાતાવરણ સ્‍વચ્‍છ, સ્‍ફૂર્તિલું બનશે. બેક્‍ટેરીયાનો નાશ થશે.

અંબાજી મંદિર બહાર હોળી સોમવારના સાંજે પ્રગટશે

૨ તારીખના સોમવારે સાંજે અંબાજી મંદિર બહાર હોળી પ્રાગટ્‍ય થશે. સોમવારે સાંજે માતાજીની આરતી બાદ તુરંત હોલિકા દહન કરાશે. જ્‍યારે બીજા દિવસે ૩ માર્ચના મંગળવારે ચંદ્રગ્રહણ છે. એટલે બપોરે ૨ વાગ્‍યે માતાજીની આરતી કર્યા બાદ મંદિરના દ્વાર ભક્‍તોના દર્શન માટે બંધ થઇ જશે. બીજા દિવસે એટલે કે બુધવારે સવારે દર્શન ફરી ખુલશે. ૨ માર્ચના સોમવારે હોલિકા દહનના કાર્યક્રમમાં ભક્‍તો જોડાશે. (જૂના અંબાજી મંદિર)

૨ માર્ચે સાંજે પૂર્ણિમા શરૂ થતી હોય સંધ્‍યાકાળે હોળી પ્રાગટય કરવાનો જ્‍યોતિષીઓનો સૂર

(10:23 AM IST)