News of Tuesday, 24th February 2026
જંગલેશ્વર દબાણમુકતઃ શાંતિપૂર્વક કાર્યવાહી સંપન્ન
ગઇકાલથી શરૂ થયેલ ડીમોલીશન કામગીરીથી કુલ ૮૭૦૦૦ ચો.મી. જગ્યા ખુલ્લીઃ નદીનો પટ - ટી.પી.રોડ ખુલ્લા થયાઃ હવે થશે વિકાસ કાર્યો : સતત બીજા દિવસે તંત્રના ‘બુલડોઝર' પ્રહારથી ૧૪૮૯ ગેરકાયદે બાંધકામોનો કડુસલો

રાજકોટ તા.૨૪: ગઇકાલે મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી મનપા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવ્યું હતું. જે આજે પણ સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સાંજ સુધીમાં તમામ ૧૪૮૯ બાંધકામોના ગેરકાયદે દબાણો શાંતિપૂર્ણ સંપન્ન કરવામાં આવ્યું છે.
નદીના પુરના વહેણમાં આવતી આજી નદી પટની પપ હજાર ચો.મી. અને ૧૫ મીટરના ટીપી રોડની ૩૨૦૦૦ ચો.મી. જગ્યા પરના આ બાંધકામો હટાવવાની તૈયારી વચ્ચે ઓપરેશન પહેલા ૧૦ર૬ આસામીઓ સ્વૈચ્છિક દબાણો હટાવી લીધાનું અથવા જગ્યા ખાલી કર્યાનું મનપાએ જણાવ્યું હતું.
જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડના ગેરકાયદેસર દબાણો દુર કરવાની કાર્યવાહી ગઇકાલથી શરૂ થઇ છે. જેમાં આજે સતત બીજા દિવસે ડીમોલીશન કરવામાં આવી રહયું છે. બપોર સુધીમાં ૧૩૦૦થી વધુ અનઅધિકૃત બાંધકામોનો કડુસલો બોલાવવામાં આવ્યો છે.
મનપાના ઇતિહાસનું સૌથી મોટુ મેગા ડિમોલીશન જંગલેશ્વર વિસ્તારમાં ગઇકાલથી શરૂ થતા આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને ૭ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-૧ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી.
શહેરના સુવ્યવસ્થિત વિકાસ, નદી કાંઠા વિસ્તારને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાનો હેતુ અને ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિઓથી બચાવ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની વિશાળ કામગીરીનો ધમધમાટ ચાલી રહયો છે.
સંબંધિત રહેવાસીઓને અગાઉથી નોટિસ આપી, સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સમયમર્યાદા આપવામાં આવી, એસ્ટેટ, ટાઉન પ્લાનિંગ, એન્જિનિયરિંગ, લાઈટ, પાણી પુરવઠા તથા પોલીસ વિભાગ સાથે સંકલન, જરૂરી મશીનરી, માનવબળ અને વાહનોની વ્યવસ્થા, આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને કાયદેસર રીતે અમલમાં મુકાઈ છે.
આ ઓપરેશનમાં ૬૪થી વધુ JCB, ૯૦ ટ્રેક્ટર, ૭ હિટાચી, ૫૦ બ્રેકર, ૪૨ ગેસ કટર અને ૧૪ ડમ્પર સહિત ૨૬૦થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.
સુરક્ષાના ભાગરૂપે ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. રવિવાર સુધીમાં ૧૦૨૬ મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર ૨૫ ડ્રોન કેમેરા અને ૩૦ વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મનપાના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સતત મોનીટરીંગ કરી રહ્યા છે. દરેક તબક્કે કામગીરી સુવ્યવસ્થિત અને કાયદેસર રીતે પૂર્ણ થાય તે સુનિヘતિ કરવામાં આવશે.
મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ગઇકાલે સવારે ૭ વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ૧૧૩૦થી વધુ સ્ટાફ તહેનાત છે અને શહેરના તમામ આઈ.એ.એસ. તથા આઈ.પી.એસ સીધી દેખરેખ રાખી રહ્યા છે.
આ કામગીરીથી નદીના કુદરતી વહેણમાં અવરોધ દૂર થશે, વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે, ટી.પી. રોડ પર ટ્રાફિક વ્યવસ્થા સુધરશે, ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો થશે, નદી કાંઠા વિસ્તારને સુવ્યવસ્થિત રૂપ આપવામાં સહાય મળશે.(૨.૨૧)
કયા કયા ગુનેગારોની મિલ્કતો તૂટી?
ડિમોલેશનમાં જે મુખ્ય ગુનેગારોની મિલકતો તોડવામાં આવી છે તેમાં નીચે મુજબના નામોનો સમાવેશ થાય છે.
* સમીર ઉર્ફે મુરઘો પઠાણ : ૧૪ ગુનાઓ - ૩ ઓરડીઓ.
* આશીફ ઉર્ફે ગંધારો સમા : ૧૭ ગુનાઓ - ૧ મકાન.
* દિનેશ જીવાભાઇ વાળા : હિસ્ટ્રીશીટર - ૧ ઓરડી.
* રહેમત ઉર્ફે રમા જુણેજા : ગાંજા પેડલર (૧૨ ગુના) - ૩ મકાન, ૪૮ ઓરડીઓ અને મોટો વંડો.
* સમીર ઉર્ફે સંજલો જુણેજા : ૧૨ ગુનાઓ - ૧૬ ઓરડીઓ.
* જાવેદ જુસબ જુણેજા : ગાંજા પેડલર - ૮ ઓરડીઓ.
* તોસીફ ઉર્ફે બાઘો ઉમરેટીયાઃ ૧૪ ગુનાઓ - ૧ મકાન, ૮ ઓરડીઓ.
* અસીમ હાજીભાઇ ઉમરેટીયાઃ બુટલેગર - ૧ મકાન, ૧૨ ઓરડીઓ.
* ઇમરાન ઉર્ફે ટીકડો ઉમરેટીયાઃ ૨૭ ગુનાઓ - ૧ મકાન, ૧ દુકાન.
* તનવીર ઉર્ફે તનીયો શિશાંગિયાઃ ૧૨ ગુનાઓ - ૧ મકાન, ૧ દુકાન.
* વિનુ કમાભાઇ સિઘવ : બુટલેગર - ૧ ઓરડી, ૧ દુકાન.

અંતિમ તબક્કામાં ડિમોલીશનઃ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલીશન અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. અત્યાર સુધીમાં ૧૧૩૪ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. બપોર સુધીમાં તમામ મકાનોનો કડુસલો થઇ જશે તેમ મનપા તંત્રવાહકો દાવો કરી રહયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
