<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

થાઈલેન્ડ જવું હવે ખિસ્સા પર ભારે પડશે: જૂન મહિનાથી એરપોર્ટ ફીમાં 50%થી વધુનો તોતિંગ વધારો, જાણો તમારી ટિકિટ કેટલી મોંઘી થશે!

પ્રવાસીઓના માનીતા દેશ થાઈલેન્ડે ઈન્ટરનેશનલ પેસેન્જર સર્વિસ ચાર્જમાં કર્યો મોટો ફેરફાર, સુવર્ણભૂમિ અને ફુકેટ સહિતના મુખ્ય એરપોર્ટ પર નવો દર લાગુ થશે.

બેંગકોક, તા. 24: જો તમે આગામી ઉનાળાના વેકેશનમાં કે જૂન મહિના પછી થાઈલેન્ડના સુંદર બીચ અને બજારોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે છે. થાઈલેન્ડ સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી એરપોર્ટ ફી એટલે કે પેસેન્જર સર્વિસ ચાર્જ (PSC) માં ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે. આગામી 20 જૂન, 2026 થી આ નવો નિયમ અમલી બનશે.
કેટલો વધારો થયો?
અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મુસાફરોએ પ્રતિ વ્યક્તિ 730 બાહ્ટ ફી ચૂકવવી પડતી હતી, જે હવે વધીને 1,120 બાહ્ટ થઈ જશે. એટલે કે સીધો 53 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે સ્થાનિક (Domestic) મુસાફરો માટેની ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 130 બાહ્ટ પર જ યથાવત રાખવામાં આવી છે.
કયા એરપોર્ટ પર ખર્ચ વધશે?
એરપોર્ટ ઓફ થાઈલેન્ડ (AOT) દ્વારા સંચાલિત મુખ્ય 6 એરપોર્ટ પર આ વધારો લાગુ પડશે:
•    સુવર્ણભૂમિ (બેંગકોક)
•    ડોન મુઆંગ
•    ફુકેટ
•    ચિયાંગ માઈ
•    હાટ યાઈ
•    ચિયાંગ રાય
ટિકિટના ભાવ પર શું અસર પડશે?
સામાન્ય રીતે એરપોર્ટ ફી તમારી ફ્લાઇટ ટિકિટના ભાડામાં જ સામેલ હોય છે, તેથી જૂન મહિના પછી થાઈલેન્ડથી બહાર જતી ફ્લાઈટ્સની ટિકિટના ભાવમાં આ વધારો જોવા મળશે. AOT ના મતે, મુસાફરીના કુલ ખર્ચની સરખામણીએ આ વધારો ઘણો નાનો છે, તેથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.
શા માટે વધારાઈ ફી?
આ વધારા પાછળનો મુખ્ય હેતુ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો છે. આ ફી દ્વારા થનારી અંદાજે 13 અબજ બાહ્ટની વધારાની આવકનો ઉપયોગ સુવર્ણભૂમિ એરપોર્ટ પર 200 અબજ બાહ્ટના ખર્ચે બની રહેલા નવા 'દક્ષિણ ટર્મિનલ' અને અન્ય આધુનિકીકરણના પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે. સત્તાવાળાઓનું કહેવું છે કે આ પગલાથી એરપોર્ટની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને લોન પરની નિર્ભરતા ઘટશે.
તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ અત્યાર સુધી માત્ર પ્રસ્થાન (Departure) વખતે જ ફી વસૂલતું હતું, જ્યારે દુનિયાના 90% દેશો ટ્રાન્ઝિટ મુસાફરો પાસેથી પણ ચાર્જ લે છે.

(4:31 PM IST)