<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

વોટ્સએપ વાપરનારા સાવધાન! ફોનમાંથી સિમ કાર્ડ કાઢ્યું તો એકાઉન્ટ થઈ જશે બંધ, મેટા ભારતીય યુઝર્સ માટે લાવી રહ્યું છે 'SIM Binding' ફીચર

ઓનલાઇન ફ્રોડ અને ફેક એકાઉન્ટ્સ પર લગામ લગાવવા ટેલિકોમ વિભાગનો મોટો નિર્ણય: હવે વોટ્સએપ ચલાવવા માટે ફોનમાં એક્ટિવ સિમ હોવું ફરજિયાત.

રાજકોટ, તા. 24: ભારતમાં કરોડો લોકોના મોબાઈલનો અભિન્ન હિસ્સો બની ગયેલું વોટ્સએપ (WhatsApp) હવે તેના નિયમોમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહ્યું છે. જો તમે વારંવાર સિમ કાર્ડ બદલતા હોવ અથવા સિમ વગર માત્ર વાઈ-ફાઈ પર વોટ્સએપ ચલાવતા હોવ, તો હવે તમારી મુશ્કેલી વધી શકે છે. ભારત સરકારની નિયમનકારી આવશ્યકતાઓને પૂરી કરવા માટે મેટા (Meta) કંપની ભારતમાં 'સિમ બાઈન્ડિંગ' (SIM Binding) સુવિધા લાગુ કરવા જઈ રહી છે.
શું છે આ 'સિમ બાઈન્ડિંગ' સુવિધા?
અત્યાર સુધી વોટ્સએપનો નિયમ એવો હતો કે તમે એકવાર ઓટીપી (OTP) દ્વારા એકાઉન્ટ વેરિફાઈ કરી લો, પછી ફોનમાં સિમ કાર્ડ હોય કે ન હોય, ઈન્ટરનેટ ચાલુ હોય તો વોટ્સએપ ચાલતું રહેતું હતું. પરંતુ નવા ફીચર મુજબ, વોટ્સએપ સમયાંતરે તપાસશે કે જે નંબર પર એકાઉન્ટ ચાલે છે તે સિમ કાર્ડ ખરેખર તે જ ફોનમાં મોજૂદ છે કે નહીં. જો તમે સિમ કાર્ડ કાઢી નાખશો, તો તમારું વોટ્સએપ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે.
 
શા માટે લેવાયો આ નિર્ણય?
ભારતમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્કેમર્સ અવારનવાર બીજાના નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કરીને સિમ ફેંકી દેતા હોય છે, જેથી તેમને પકડવા મુશ્કેલ બને છે. ટેલિકોમ વિભાગ (DoT) ના નિર્દેશો હેઠળ આ ફીચર લાવવામાં આવી રહ્યું છે જેથી દરેક વોટ્સએપ એકાઉન્ટ તેની સાથે જોડાયેલા એક્ટિવ સિમ કાર્ડ સાથે લિંક રહે અને સુરક્ષા મજબૂત બને.
ક્યારે થશે અમલ?
'WABetaInfo' ના રિપોર્ટ અનુસાર, આ સુવિધા વોટ્સએપ બીટા એન્ડ્રોઇડ વર્ઝન 2.26.8.6 માં જોવામાં આવી છે. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તમામ ભારતીય યુઝર્સ માટે તેને લાઈવ કરવામાં આવશે. આ નિયમ લાગુ થયા પછી, વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોનમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું અનિવાર્ય બની જશે.
યુઝર્સે શું ધ્યાન રાખવું પડશે?
•    જે નંબર પર વોટ્સએપ ચલાવતા હોવ તે સિમ હંમેશા તે જ ફોનમાં રાખવું પડશે.
•    જો તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે અથવા તમે તેને કાઢી લેશો, તો મેસેજિંગ સેવાઓ અટકી શકે છે.
•    સેકન્ડરી ફોનમાં વોટ્સએપ વાપરતા લોકોએ હવે વધુ સાવચેત રહેવું પડશે.
આ નવો નિયમ સામાન્ય યુઝર્સ માટે થોડો અસુવિધાજનક હોઈ શકે છે, પરંતુ સાયબર સુરક્ષાની દ્રષ્ટિએ તેને એક મોટું અને મહત્વનું કદમ માનવામાં આવે છે.

(4:33 PM IST)