<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

પાકિસ્તાનમાં મધરાતે હાઈ-વોલ્ટેજ ડ્રામા: પૂર્વ PM ઇમરાન ખાનને રાત્રે 2 વાગ્યે ગુપ્ત રીતે હોસ્પિટલ ખસેડાયા, જમણી આંખની રોશની ગુમાવવાનો ડર!

ઇમરાન ખાનની આંખમાં માત્ર 15% દ્રષ્ટિ બાકી હોવાનો દાવો: જેલ પ્રશાસનની ગુપ્ત કાર્યવાહીથી સમર્થકોમાં રોષ, પરિવારે ઝેર આપવાની કે ખોટી સારવારની વ્યક્ત કરી આશંકા.

ઇસ્લામાબાદ, તા. 24: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ ઇમરાન ખાનને મંગળવારે વહેલી સવારે 2 વાગ્યે અત્યંત ગુપ્ત રીતે 'પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' (PIMS) હોસ્પિટલમાં લાવવામાં આવતા આખા પાકિસ્તાનમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇમરાન ખાનને આંખની ગંભીર સમસ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે લાવવા પડ્યા હતા.
આંખની રોશની પર જોખમ
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇમરાન ખાનની જમણી આંખમાં અત્યારે માત્ર 15% દ્રષ્ટિ જ બાકી છે. તેમને અંધાપો આવતા રોકવા માટે ત્રણ ઇન્જેક્શનની જરૂર હતી, જેમાંથી આ બીજું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્રીજું ઇન્જેક્શન હવે 24 માર્ચના રોજ આપવામાં આવશે. જોકે, સરકાર દાવો કરી રહી છે કે તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ આખી રાત જે પ્રકારની ગુપ્તતા રાખવામાં આવી તેનાથી અનેક સવાલો ઉભા થયા છે.
 
"અંધારામાં સારવાર કેમ?" - પીટીઆઈના સવાલો
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના નેતા બેરિસ્ટર ગોહર ખાને આ મામલે સરકારને આડે હાથ લીધી છે. તેમણે પૂછ્યું કે, "જો સારવાર જ કરવી હતી તો મધરાતે ચોરની જેમ હોસ્પિટલ કેમ લાવવામાં આવ્યા?" તેમણે માંગ કરી છે કે ઇમરાન ખાનની સારવાર તેમના અંગત ડૉક્ટરોની હાજરીમાં અને શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં થવી જોઈએ. જેલમાં તેમના વકીલો કે પરિવારને પણ મળવા દેવામાં આવતા નથી, ત્યારે આવી ગુપ્ત સારવાર શંકા જન્માવે છે.
પરિવારનો સરકાર પર અવિશ્વાસ
ઇમરાન ખાનની બહેન અલીમા ખાને સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, "અમને સરકારના કોઈપણ મેડિકલ રિપોર્ટ કે સારવાર પર વિશ્વાસ નથી. કાયદો કહે છે કે કેદીની સારવાર વિશે પરિવારને જાણ કરવી જોઈએ, પણ અમને અંધારામાં રાખવામાં આવ્યા." તેમણે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે ડૉક્ટરોને મોઢું બંધ રાખવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે.
સરકારનો બચાવ
બીજી તરફ, પાકિસ્તાન સરકારના મંત્રી તારિક ફઝલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે ઇમરાન ખાનને તમામ માનવતાવાદી અને કાનૂની સહાય આપવામાં આવી રહી છે. સુરક્ષાના કારણોસર તેમને રાત્રિના સમયે લાવવામાં આવ્યા હતા. હાલમાં સારવાર બાદ તેમને ફરીથી 'અદિયાલા જેલ' માં ખસેડી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાનની ડગમગતી સત્તા અને ઇમરાન ખાનની બગડતી તબિયત વચ્ચેનો આ જંગ અત્યારે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

(5:23 PM IST)