News of Tuesday, 24th February 2026
હલ્દવાનીમાં ચાલશે રેલવેનું ‘સુપર’ બુલડોઝર: સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી : પણ માનવતાના નાતે રહેવાસીઓને મોટી રાહત!
બાનભુલપુરાની જમીન રેલવેની જ છે, અતિક્રમણ હટાવવું જ પડશે : સીજેઆઈની કડક ટિપ્પણી: “કબજેદારો નક્કી ન કરી શકે કે રેલવેએ કઈ જમીન વાપરવી : ઈદ પછી પુનર્વસન માટે ખુલશે શિબિરો

હલ્દવાની : ઉત્તરાખંડના હલ્દવાનીમાં વર્ષોથી ચાલી રહેલા બાનભુલપુરા જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટે આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ અને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે બાનભુલપુરાની વિવાદિત જમીન રેલવેની માલિકીની છે અને દેશના રેલવે વિસ્તરણ માટે તેને ખાલી કરાવવી અનિવાર્ય છે. પ્રશાંત ભૂષણ જેવા વરિષ્ઠ વકીલોની દલીલોને ફગાવતા સીજેઆઈએ (CJI) ટિપ્પણી કરી હતી કે દાયકાઓથી રહેતા હોવાનો અર્થ એ નથી કે સરકારી જમીન પર કાયમી હક મળી જાય. રેલવેએ પોતાના ટ્રેક ક્યાં નાખવા તે અતિક્રમણ કરનારાઓ નક્કી કરી શકે નહીં. જોકે, કોર્ટે આ આદેશમાં માનવીય પાસાને સર્વોપરી રાખીને રહેવાસીઓને તાત્કાલિક રસ્તા પર ફેંકી દેવાને બદલે વ્યવસ્થિત પુનર્વસનની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.
સુપ્રીમ કોર્ટે ૧૯ માર્ચે આવતી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને રહેવાસીઓને મોટી રાહત આપી છે. ઈદ પછી તરત જ જિલ્લા વહીવટીતંત્ર અને રેલવે સંયુક્ત રીતે સ્પેશિયલ કેમ્પનું આયોજન કરશે, જેમાં વિસ્થાપિત થનારા પરિવારોની ઓળખ કરવામાં આવશે. જે લોકો આર્થિક રીતે નબળા (EWS) અને પાત્ર જણાશે, તેમને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ઘર આપવામાં આવશે. એટલું જ નહીં, ઘર ખાલી કર્યા બાદ નવા રહેઠાણની વ્યવસ્થા થાય ત્યાં સુધીના છ મહિના માટે સરકાર દરેક પાત્ર પરિવારને દર મહિને ₹૨,૦૦૦ની આર્થિક સહાય પણ પૂરી પાડશે. કોર્ટના આ અભિગમથી ૫૦,૦૦૦થી વધુ લોકોના માથે લટકતી અનિશ્ચિતતાની તલવાર થોડી હળવી થઈ છે.
કેન્દ્ર સરકાર વતી રજૂ થયેલી દલીલ મુજબ, હલ્દવાની એ પહાડી પ્રદેશ પહેલાનું છેલ્લું મેદાની સ્ટેશન છે અને પર્વતોના દુર્ગમ રસ્તાઓ તેમજ નદીના વહેણને કારણે રેલવે લાઇનના વિસ્તરણ માટે આ જમીન અત્યંત મહત્વની છે. જોકે, એપ્રિલમાં થનારી આગામી સુનાવણી સુધી અતિક્રમણ હટાવવા માટે કોઈ પણ પ્રકારની બળજબરી કે તોડફોડ કરવામાં આવશે નહીં. સામાજિક કાર્યકરોને ઘરે-ઘરે જઈને લોકોને પુનર્વસન યોજના વિશે માહિતગાર કરવા સૂચના અપાઈ છે. સુપ્રીમ કોર્ટનો આ ફેંસલો વિકાસ અને માનવ અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનું એક મોટું ઉદાહરણ બની રહેશે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
