તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 24th February 2026
બેંગલુરુ એરપોર્ટ પર ઈડલીનો ‘ઝટકો’: એક પ્લેટના ₹૩૧૫! ભાવ સાંભળીને મુસાફરોને ખાધેલી ઈડલી ગળે વળગી
રામેશ્વરમ કાફેનું બિલ વાયરલ થતા ઈન્ટરનેટ પર ‘પ્રાઈસ વોર’ શરૂ: શહેરમાં જે ઈડલી ₹૯૦માં મળે છે તે એરપોર્ટ પર ચાર ગણી મોંઘી કેમ? મુસાફરોએ પૂછ્યું, “આ ઈડલી છે કે સોનાના બિસ્કિટ?”

બેંગલુરુ: ટેક સિટી બેંગલુરુનું કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અત્યારે વિમાનની ઉડાન માટે નહીં, પરંતુ ઈડલીની ઉંચી કિંમતને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ટર્મિનલ-1 પર આવેલા પ્રખ્યાત ‘રામેશ્વરમ કાફે’માં એક મુસાફરે જ્યારે ‘ઘી પોડી ઈડલી’ની એક પ્લેટ મંગાવી, ત્યારે તેને બિલ જોઈને આંચકો લાગ્યો હતો. એક પ્લેટ ઈડલી માટે તેના ખિસ્સામાંથી ₹૩૧૫ ખખડી ગયા હતા. આ બિલની રસીદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર શેર થતાની સાથે જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે આ જ કાફેના શહેરના અન્ય આઉટલેટ્સમાં સમાન ઈડલી માત્ર ₹૯૦ની આસપાસ મળે છે.
મુસાફરોનો સૌથી મોટો સવાલ એ છે કે એરપોર્ટની સરહદમાં પ્રવેશતાની સાથે જ ખાદ્યપદાર્થોના ભાવમાં ચાર ગણો વધારો કયા તર્કથી કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું એરપોર્ટ સત્તાધારીઓ પાસે આ લૂંટ રોકવા માટે કોઈ નિયમો છે કે પછી રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોને લૂંટવા માટે મુક્ત છે? આ પોસ્ટ બાદ ઈન્ટરનેટ યુઝર્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. એક પક્ષ આને નરી લૂંટ ગણાવે છે, જ્યારે બીજો પક્ષ દલીલ કરી રહ્યો છે કે એરપોર્ટની અંદર ૨૪ કલાક સ્ટોર ચલાવવો, લાખોનું ભાડું ચૂકવવું અને કડક સુરક્ષા નિયમો વચ્ચે લોજિસ્ટિક્સ મેનેજ કરવું એ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે, જેને કારણે ભાવ વધવો સ્વાભાવિક છે.
નોંધનીય છે કે રામેશ્વરમ કાફે તેની અદ્ભુત ચટણી અને ઈડલીના સ્વાદ માટે આખા દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, પરંતુ એરપોર્ટ પરની આ કિંમતોએ ‘સામાન્ય માણસ’ (બજેટ ટ્રાવેલર) માટે મુશ્કેલી ઉભી કરી છે. ટીકાકારો કહે છે કે ભલે ખર્ચ વધે, પણ ૧૦-૨૦ ટકા વધારો સમજાય, પણ ચાર ગણો વધારો એ કોઈ પણ રીતે તાર્કિક નથી. આ ઘટનાએ ફરી એકવાર ભારતના એરપોર્ટ્સ પર મળતા મોંઘા ભોજન અને ગ્રાહકોના અધિકારો પર મોટી ચર્ચા છેડી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે એરપોર્ટ ઓથોરિટી આ મામલે કોઈ દરમિયાનગીરી કરે છે કે મુસાફરોએ એરપોર્ટ પર ‘ઈડલી’ ખાવા માટે પણ લોન લેવી પડશે!
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
