News of Tuesday, 24th February 2026
મુખ્યમંત્રી કાર્યાલયના ‘મેસેજ’ પર હાઈકોર્ટનું બ્રેક: “સરકારી કર્મચારીઓ તમારી જાગીર નથી : મેસેજ મોકલવાનું તરત બંધ કરો!”
કેરળ હાઈકોર્ટે ગોપનીયતાના ભંગ બદલ પિનારાઈ વિજયન સરકારની કાઢી ઝાટકણી : કર્મચારીઓના પર્સનલ નંબર અને ઈમેઈલ આઈડી CMO પાસે ક્યાંથી આવ્યા? SPARK પોર્ટલના ડેટાનો રાજકીય પ્રચાર માટે દુરુપયોગ થયો હોવાની આશંકા વચ્ચે કોર્ટે માગી કડક સ્પષ્ટતા

કોચી: કેરળ સરકારને હાઈકોર્ટ તરફથી જોરદાર કાનૂની લપડાક પડી છે. રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલ દ્વારા સરકારી કર્મચારીઓને સતત મોકલવામાં આવતા સરકારી સિદ્ધિઓના મેસેજ પર કોર્ટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. હાઈકોર્ટે અત્યંત કડક શબ્દોમાં નિર્દેશ આપ્યો છે કે આગામી આદેશ સુધી કોઈપણ કર્મચારીને તેમની મંજૂરી વિના આવા મેસેજ મોકલવા નહીં. જસ્ટિસે સરકારને સવાલ કર્યો હતો કે, રાજકીય પ્રચાર માટે સરકારી કર્મચારીઓના અંગત મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રેસ મેળવવાનો અધિકાર CMO ને કોણે આપ્યો? આ ઘટનાએ કેરળના વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચાઓ જગાવી છે.
આ વિવાદની શરૂઆત સામાન્ય વહીવટ વિભાગના એક કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીથી થઈ હતી. અરજદારનો ગંભીર આરોપ છે કે, કર્મચારીઓના એચઆર અને પગારની વિગતો ધરાવતા ડિજિટલ પ્લેટફોર્મ ‘SPARK’ ( માંથી ગુપ્ત રીતે ડેટા ચોરવામાં આવ્યો છે. આ ડેટાનો ઉપયોગ કરીને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લાખો કર્મચારીઓને બળજબરીપૂર્વક સરકારની વાહવાહી કરતા સામૂહિક મેસેજ મોકલવામાં આવી રહ્યા હતા. કર્મચારીઓએ આને તેમની અંગત જિંદગી અને ગોપનીયતા પર સીધો હુમલો ગણાવ્યો છે, કારણ કે આ ડેટા માત્ર સત્તાવાર વહીવટી કામકાજ માટે જ આપવામા આવ્યો હતો.
હાઈકોર્ટે આ મામલે સરકાર પાસે શુક્રવાર સુધીમાં વિગતવાર જવાબ માંગ્યો છે કે આ ડેટા કેવી રીતે અને કોની પરવાનગીથી CMO સુધી પહોંચ્યો. જો આમાં ઈ-ગવર્નન્સ પોર્ટલના ડેટાનો દુરુપયોગ સાબિત થશે, તો તે ગોપનીયતાના કાયદાનું મોટું ઉલ્લંઘન ગણાશે. કોર્ટના આ આદેશથી હવે અન્ય રાજ્યોમાં પણ સરકારી ડેટાના રાજકીય ઉપયોગ પર સવાલો ઉભા થયા છે. હવે આખીય તપાસ એ દિશામાં છે કે શું સત્તામાં રહેલા લોકો સરકારી તંત્રનો ઉપયોગ પોતાના પર્સનલ PR મશીન તરીકે કરી શકે? શુક્રવારની સુનાવણી આ કેસમાં નિર્ણાયક સાબિત થશે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
