News of Tuesday, 24th February 2026
રેલવેની ‘રાફ્તાર’ વધશે: ૪ રાજ્યોના ૮ જિલ્લાઓમાં ₹૯,૦૭૨ કરોડનો રેલ ધડાકો: મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક!
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ૩૦૭ કિમી નવી લાઇનને મંજૂરી: ગોંદિયા-જબલપુર ડબલ લાઇનથી લઈને પુનાર્ક-કિયુલ સુધી રેલ નેટવર્કનું જાળું બિછાવાશે : પ્રવાસન અને વેપારમાં આવશે તેજી

નવી દિલ્હી: ભારતીય રેલવેને હાઈ-ટેક અને સુપરફાસ્ટ બનાવવાના મિશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. દેશના ચાર મહત્વના રાજ્યો – મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ₹૯,૦૭૨ કરોડના ત્રણ વિશાળ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ૩૦૭ કિલોમીટરનું નવું રેલવે નેટવર્ક તૈયાર થશે, જે માત્ર ટ્રેનની ગતિ જ નહીં વધારે પરંતુ ૮ જિલ્લાઓની આર્થિક સ્થિતિ પણ બદલી નાખશે. પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ તૈયાર થયેલા આ પ્રોજેક્ટ્સથી લાખો પ્રવાસીઓ અને વેપારીઓને સીધો ફાયદો થવાનો છે.
પ્રોજેક્ટ્સની વિગતો પર નજર કરીએ તો, સૌથી મોટો હિસ્સો ગોંદિયા-જબલપુર સેક્શનના ડબલિંગ (૨૩૧ કિમી) પાછળ ખર્ચાશે, જે ₹૫,૨૩૬ કરોડના ખર્ચે ૫ વર્ષમાં પૂર્ણ થશે. આનાથી હાવડા-મુંબઈ અને ઇટારસી-વારાણસી જેવા વ્યસ્ત રૂટ વચ્ચેનું જોડાણ વધુ સરળ બનશે. બિહારમાં પટના અને લખીસરાયને જોડતી પુનાર્ક-કિયુલ ત્રીજી-ચોથી લાઇન અને ઝારખંડમાં ગમહરિયા-ચાંદીલ લાઇનથી માલવાહક ટ્રેનોની ક્ષમતામાં દર વર્ષે ૫૨ મિલિયન ટનનો વધારો થશે. આનાથી કોલસો, સ્ટીલ અને સિમેન્ટ જેવી ચીજવસ્તુઓનું પરિવહન ઝડપી બનશે, જે સીધી રીતે દેશના વિકાસ દરને વેગ આપશે.
આ રેલ વિસ્તરણ માત્ર પાટા બિછાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે પર્યાવરણ અને રોજગાર માટે પણ વરદાન સાબિત થશે. સરકારના અંદાજ મુજબ, રેલવેની ક્ષમતા વધવાથી દર વર્ષે ૬૦ મિલિયન લિટર તેલની આયાત ઘટશે અને કાર્બન ઉત્સર્જનમાં ૩૦૦ મિલિયન કિલોગ્રામનો ઘટાડો થશે, જે ૧ કરોડ વૃક્ષો વાવવા બરાબર છે. ઉપરાંત, જબલપુરના ધુઆંધાર ધોધ અને કાન્હા નેશનલ પાર્ક જેવા પ્રવાસન સ્થળો સુધી પહોંચવું પ્રવાસીઓ માટે હવે વધુ આસાન અને સસ્તું બનશે. આ પ્રોજેક્ટ આશરે ૫,૪૦૦ ગામોના લોકોને મુખ્ય પ્રવાહ સાથે જોડીને પ્રગતિના નવા દ્વાર ખોલશે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
