<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

સફેદ દૂધમાં ‘કાળનો ખેલ’: આંધ્રપ્રદેશમાં ઝેરી દૂધ પીતા ૪ ના મોત : ૧૨ ગંભીર

ડિટર્જન્ટ અને યુરિયાવાળું દૂધ મોતના સોદાગર જેવું સાબિત થયું : કિડની ફેલ થતા વૃદ્ધોના ટપોટપ મોત : મુખ્યમંત્રી નાયડુએ ₹૧૦ લાખની સહાય જાહેર કરી

રાજમહેન્દ્રવરમ:  આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. રાજમહેન્દ્રવરમના ચૌદેશ્વરી નગર વિસ્તારમાં ‘ઝેરી’ દૂધ પીવાના કારણે ચાર નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે નફાખોર વિક્રેતાઓએ દૂધમાં ડિટર્જન્ટ અને યુરિયા જેવા જામલેવા કેમિકલ્સની ભેળસેળ કરી હતી. આ દૂધ પીધાના ગણતરીના કલાકોમાં જ લોકોના પેટમાં દુખાવો, ઉલટી અને કિડનીમાં અચાનક ગંભીર ખામી સર્જાતા ગભરાટ ફેલાયો હતો. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી મૃતકોના પરિવારો માટે ₹૧૦ લાખના વળતરની જાહેરાત કરી છે.

પોલીસ અને આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ૧૬ ફેબ્રુઆરીથી આ વિસ્તારમાં લોકો બીમાર પડવાની શરૂઆત થઈ હતી. મૃતકોમાં મોટાભાગે ૫૮ થી ૭૬ વર્ષની વયના વૃદ્ધો સામેલ છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે ઝેરી કેમિકલ્સની અસર તીવ્ર બની હતી. એસપી ડી. નરસિંહ કિશોરે પુષ્ટિ કરી છે કે કિડની સંબંધિત ગંભીર બીમારીને કારણે મૃત્યુઆંક વધ્યો છે. હાલમાં ૧૨ જેટલા દર્દીઓ હોસ્પિટલના બિછાને જીવનની જંગ લડી રહ્યા છે, જેમાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ‘મોતના સોદાગરો’ સામે ફાંસીની સજાની માંગ ઉઠી રહી છે.

આ ભયાનક કાંડ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક ડેરી માલિકની અટકાયત કરી છે. શંકાસ્પદ દૂધના નમૂનાઓ તપાસ માટે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની વિશેષ ટીમો ઘરે-ઘરે જઈને અન્ય કોઈ વ્યક્તિને લક્ષણો છે કે નહીં તેની તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગ્રાહકોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે લેબ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા બાદ જવાબદારો સામે કેવા પ્રકારના કડક પગલાં લેવામાં આવે છે.

(9:48 PM IST)