AI ની ‘સુનામી’ દુનિયાને ડૂબાડશે? એન્થ્રોપિકના CEO ની ધાક: “તમે તૈયાર નથી, પણ માનવ મગજની બરાબરી કરશે મશીન!”
સોફ્ટવેર અને કોડિંગની દુનિયામાં આવશે ભૂકંપ: ટૂંક સમયમાં AI પોતે જ લખશે એન્ડ-ટુ-એન્ડ કોડ

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયાના દિગ્ગજ અને એન્થ્રોપિક કંપનીના CEO ડારિયો અમોદેઈએ એક એવી આગાહી કરી છે જેણે ટેક જગતની ઉંઘ ઉડાડી દીધી છે. ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામત સાથેના એક ખાસ પોડકાસ્ટમાં અમોદેઈએ ચેતવણી આપી છે કે એક ભયાનક AI 'સુનામી' આવી રહી છે અને સમગ્ર માનવજાત તેના માટે સજ્જ નથી. તેમના મતે, AI હવે માનવ મગજની કાર્યક્ષમતાની અત્યંત નજીક પહોંચી ગયું છે અને આ પરિવર્તન એટલું ઝડપી છે કે લોકો તેની ગંભીરતા સમજી શક્યા નથી. જે કામો માટે અત્યાર સુધી વર્ષોનો અનુભવ અને માનવ બુદ્ધિ જોઈતી હતી, તે હવે પળવારમાં મશીનો દ્વારા થવા જઈ રહ્યા છે.
અમોદેઈના જણાવ્યા મુજબ, સૌથી મોટો પ્રહાર સોફ્ટવેર અને કોડિંગ ક્ષેત્ર પર પડવાનો છે. અત્યારે પણ ઘણા AI મોડેલો પોતાની મેળે કોડ લખી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં ‘એન્ડ-ટુ-એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ’ પણ AI ના કબજામાં હશે. આ આગાહી બાદ વૈશ્વિક આઈટી (IT) સ્ટોક્સમાં મોટી હલચલ જોવા મળી છે. એન્થ્રોપિકના નવા AI મોડેલ 'ક્લાઉડ' (Claude) ની વધતી તાકાતે રોકાણકારોમાં ડર પેદા કર્યો છે કે ભવિષ્યમાં પરંપરાગત આઈટી કંપનીઓના બિઝનેસ મોડેલ સાવ નકામા સાબિત થઈ શકે છે. કોમ્પ્યુટેશનલ ન્યુરોસાયન્સમાં પીએચડી ધરાવતા અમોદેઈનું માનવું છે કે આપણે એવી સદીમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં મનુષ્ય અને મશીન વચ્ચેનો તફાવત ધૂંધળો થઈ જશે.
ડારિયો અમોદેઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી; તેમણે ઓપનએઆઈ (OpenAI) માં રિસર્ચના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું છે અને ગૂગલ તેમજ બાયડુ જેવી કંપનીઓમાં મહત્વના હોદ્દા સંભાળ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૧ માં તેમણે એન્થ્રોપિકની સ્થાપના કરી હતી જેથી સુરક્ષિત અને વધુ શક્તિશાળી AI બનાવી શકાય. તેમની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે સમગ્ર વિશ્વ આજીવિકા અને સુરક્ષાના પ્રશ્નોથી ઘેરાયેલું છે. જો આ 'AI સુનામી' ખરેખર ત્રાટકશે, તો લાખો પ્રોફેશનલ્સની કારકિર્દી અને કામ કરવાની પદ્ધતિ કાયમ માટે બદલાઈ જશે. હવે સવાલ એ છે કે શું માનવજાત આ ટેકનોલોજીકલ ક્રાંતિ સામે ટકી શકશે કે પછી મશીનોના ગુલામ બની જશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
