<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

સરહદ ઓળંગતા જ પત્ની બની ‘નૂર ફાતિમા’! પાકિસ્તાનમાં ભારતીય મહિલાના નિકાહ પર લાહોર હાઈકોર્ટમાં મહાસંગ્રામ

૮ વર્ષના સોશિયલ મીડિયા પ્રેમ, બળજબરીથી ધર્માંતરણ અને ખાનગી વીડિયો વાયરલ કરવાની ધમકીના ગંભીર આરોપો વચ્ચે ‘નૂર’ બનેલી સરબજીતની મુશ્કેલીઓ વધી

લાહોર:  ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મર્યાદા, કાયદો અને પ્રેમનો ત્રિપાંખિયો જંગ છેડાયો છે. યાત્રા પર ગયેલી સરબજીત કૌરના પાકિસ્તાની નાગરિક નાસિર હુસૈન સાથેના લગ્નના કેસમાં નવો વળાંક આવ્યો છે. ભારતીય પતિ કર્નલ સિંહે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ લાહોર હાઈકોર્ટમાં વિસ્ફોટક અરજી દાખલ કરી છે. કર્નલ સિંહનો દાવો છે કે સરબજીત હજુ પણ ભારતીય કાયદા મુજબ તેમની પત્ની છે અને છૂટાછેડા લીધા વિના તેના બીજા નિકાહ ઇસ્લામિક શરિયત અને વિદેશી અધિનિયમ ૧૯૪૬ બંનેનું ઉલ્લંઘન છે. અરજીમાં એવો પણ સનસનાટીપૂર્ણ આરોપ છે કે નાસિર હુસૈને સરબજીતના ખાનગી ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને લગ્ન માટે મજબૂર કરી હતી.

આ કેસની કાનૂની ગૂંચવણો અત્યંત જટિલ છે. કર્નલ સિંહના વકીલ અલી ચંગેઝી સંધુએ દલીલ કરી છે કે ફેડરલ શરિયત કોર્ટના નિયમ મુજબ, જો કોઈ બિન-મુસ્લિમ પરિણીત મહિલા ઇસ્લામ સ્વીકારે, તો તેણે પૂર્વે તેના પતિને ઇસ્લામ સ્વીકારવા આમંત્રણ આપવું પડે છે અને જો તે ન માને તો ૯૦ દિવસ રાહ જોવી પડે છે. આ કિસ્સામાં આવી કોઈ પ્રક્રિયા થઈ નથી. કર્નલ સિંહે નાસિર હુસૈન પર બળાત્કાર અને ગેરકાયદેસર સહવાસનો ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. સાથે જ તેમણે કોર્ટને વિનંતી કરી છે કે સરબજીતને તાત્કાલિક ભારત મોકલવામાં આવે (દેશનિકાલ કરવામાં આવે) કારણ કે તે વિઝાની શરતોનું ઉલ્લંઘન કરી રહી છે.

ઘટનાની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, સરબજીત કૌર નવેમ્બરમાં પ્રકાશ પર્વ નિમિત્તે શીખ શ્રદ્ધાળુઓ સાથે પાકિસ્તાન ગઈ હતી પરંતુ પરત ફરી નહોતી. પાછળથી જાણવા મળ્યું કે તેણે ઇસ્લામ સ્વીકારી નૂર ફાતિમા નામ ધારણ કરી લીધું છે. જોકે, આ દરમિયાન એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં તેણે ભારત પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ૧૩ ફેબ્રુઆરીએ તે નાસિરના ઘરે રહેવા ગઈ હતી. હવે લાહોર હાઈકોર્ટમાં વોઈસ ફોરેન્સિક તપાસ અને કોલ રેકોર્ડિંગ્સ રજૂ કરવાની માંગણી કરવામાં આવી છે. આ કેસે બંને દેશોની તપાસ એજન્સીઓને પણ દોડતી કરી દીધી છે, કારણ કે સરબજીત પર ભારતીય જાસૂસ હોવાનો પણ ભૂતકાળમાં આરોપ લાગ્યો હતો. હવે આ આંતરરાષ્ટ્રીય કાયદાકીય લડાઈમાં હાઈકોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.

(9:49 PM IST)