હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરની રિલાયન્સ રિફાઈનરીમાં આતંકવાદી હુમલાને પગલે મચી દોડધામ: કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ જાહેર કરાઈ : જુઓ વિડીયો
NSG, ચેતક કમાન્ડો અને CISF દ્વારા આઠ કલાક સુધી ચાલ્યું દિલધડક સર્ચ ઓપરેશન; ૪ આતંકવાદીઓ ઠાર, ૯ બંધકોને સુરક્ષિત મુક્ત કરાવાયા અને ૨ કમાન્ડોએ શહીદી વહોરી હોવાનું કરાયું નિદર્શન

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર: જામનગરની રિલાયન્સ રિફાઈનરીમાં આતંકવાદી હુમલાની ઘટનાને પગલે તંત્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૩ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭:૪૦ કલાકે શરૂ થયેલ આ સઘન ઓપરેશન મોડી રાત્રે ૩:૧૯ કલાકે પૂર્ણ થયું હતું. જામનગરમાં પ્રથમ વખત નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના સંકલન સાથે યોજાયેલી આ ટેરરિઝમ એક્સરસાઇઝ દ્વારા જિલ્લા વહીવટી તંત્રએ કોઈપણ આપત્તિજનક સ્થિતિનો સામનો કરવા માટે પોતાની સજ્જતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આતંકી હુમલાની જાણ થતા જ કાફલો રવાના
ઘટનાની વિગતો મુજબ, રિફાઈનરીમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની જાણકારી જિલ્લા કંટ્રોલરૂમમાં મળતા જ કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઓપરેશનમાં ચેતક કમાન્ડો, સીઆઈએસએફ અને જામનગરની ક્વિક રિસ્પોન્સ ટીમે આખા વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
૪ આતંકવાદી ઠાર, ૨ કમાન્ડો શહીદ
મોકડ્રીલના નિદર્શન દરમિયાન જણાવાયું હતું કે ૪ આતંકવાદીઓએ રિફાઈનરી પર હુમલો કરી ૧૦ લોકોને બંધક બનાવ્યા હતા. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી વ્યુહાત્મક કામગીરીમાં ૯ હોસ્ટેજિસને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ભીષણ ટકરાવમાં ચારેય આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને ૨ કમાન્ડોએ શહીદી વહોરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલોમાં ખસેડવાની પ્રક્રિયા પણ ચકાસવામાં આવી હતી.
NSG દ્વારા વ્યૂહાત્મક સંચાલન
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ની વિશેષ ટીમે પ્રથમ વખત જામનગરમાં આ પ્રકારની કવાયત કરી વ્યુહાત્મક કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય ઉદેશ્ય કટોકટીના સમયે વિવિધ સરકારી વિભાગો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન, ઝડપી પ્રતિસાદ અને બચાવ કામગીરીની ક્ષમતા ચકાસવાનો હતો. જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ આ કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો.
અંતે, વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર ઘટનાને રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ જાહેર કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલની સફળતાએ જામનગર જિલ્લા તંત્રની સજ્જતા અને સુરક્ષા એજન્સીઓના અભેદ્ય સમન્વયને સાબિત કરી બતાવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
