હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાવધાન! શાકભાજીના નામે બેંગલુરુના લોકો ખાઈ રહ્યા છે ‘ધીમું ઝેર’: CPCBના રિપોર્ટમાં થયો ભયાનક ખુલાસો
રીંગણ, પાલક અને કારેલામાં સીસા નું પ્રમાણ મર્યાદા કરતા ૨૦ ગણું વધારે : ૭૨ માંથી ૧૯ નમૂનામાં મળ્યા જીવલેણ કેમિકલ્સ અને જંતુનાશકો: ગંદા પાણી અને પ્રદૂષિત માટીના કારણે રસોડા સુધી પહોંચ્યું ‘કેન્સર’નું જોખમ

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં હવે પ્લેટમાં પીરસાતી હેલ્ધી ગ્રીન શાકભાજી સ્વાસ્થ્ય માટે વરદાન નહીં પણ શ્રાપ સાબિત થઈ રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની સંયુક્ત સમિતિએ તાજેતરમાં સુપરત કરેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બેંગલુરુના જાણીતા બજારોમાં વેચાતી શાકભાજીમાં સીસા અને અન્ય ભારે ધાતુઓનું પ્રમાણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા અનેકગણું વધારે છે. ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર ૨૦૨૫ વચ્ચે લેવામાં આવેલા ૭૨ નમૂનાઓમાંથી ૧૯ નમૂનાઓમાં સીસું એટલી હદે જોવા મળ્યું છે કે તે માનવ શરીરના અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને રીંગણ અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં સીસાનું સ્તર ૨ મિલિગ્રામ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયું છે, જેની માન્ય મર્યાદા માત્ર ૦.૧ મિલિગ્રામ છે.
તપાસ સમિતિના જણાવ્યા અનુસાર, આ ઝેરી શાકભાજી મુખ્યત્વે નેલામંગલા, ચિક્કાબલ્લાપુર અને કોલારના ખેતરોમાંથી આવી રહ્યા છે. રાજાજીનગર, મહાલક્ષ્મી લેઆઉટ અને APMC જેવા મુખ્ય બજારોમાંથી લેવાયેલા નમૂનાઓમાં માત્ર ભારે ધાતુઓ જ નહીં, પરંતુ ૨૩૦ પ્રકારના જંતુનાશકોના અવશેષોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેપ્સિકમ, મરચાં અને આદુ જેવા નિત્ય વપરાશના શાકભાજીમાં જંતુનાશકોનું પ્રમાણ ખતરનાક સ્તરે હોવાનું જણાયું છે. ખેડૂતો દ્વારા પાકને જલ્દી ઉગાડવા અથવા જીવાતોથી બચાવવા માટે વપરાતા કેમિકલ્સ હવે ગ્રાહકોના શરીરમાં પ્રવેશી રહ્યા છે, જે લાંબા ગાળે કિડની ફેલ થવા અથવા નર્વસ સિસ્ટમમાં ખામી સર્જવા જેવા રોગોને આમંત્રણ આપી રહ્યા છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ આ મામલાની ગંભીરતાને જોતા ૨૦૧૩ ના જૂના રિપોર્ટ અને વર્તમાન સ્થિતિ પર કડક વલણ અપનાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કેસી વેલી એન્ટ્રી પોઈન્ટ પરથી આવતા ગંદા અને ટ્રીટેડ પાણીમાં ઝીંક, આયર્ન, મેંગેનીઝ અને નિકલ જેવી ધાતુઓ મર્યાદા બહાર છે. જ્યારે આ પ્રદૂષિત પાણીનો ઉપયોગ ખેતીમાં થાય છે, ત્યારે તે માટી અને શાકભાજીના માધ્યમથી લોકોના રસોડા સુધી પહોંચે છે. સમિતિએ ભલામણ કરી છે કે શાકભાજીના સ્ત્રોતોની તાત્કાલિક કડક તપાસ થવી જોઈએ અને જે ખેતરોની માટી ઝેરી બની ગઈ છે ત્યાં સુધારાત્મક પગલાં લેવા જોઈએ. બેંગલુરુના રહેવાસીઓ માટે આ એક મોટી ચેતવણી છે કે તેઓ શાકભાજી ખરીદતા અને રાંધતા પહેલા તેની શુદ્ધતાની ખાતરી કરી લે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
