News of Wednesday, 25th February 2026
અમેરિકાનો ભારતીય સોલર ઉદ્યોગને મોટો ફટકો: સોલર પેનલ્સની આયાત પર ૧૨૫ ટકા ડ્યુટી લાદવામાં આવી
અમેરિકન સરકારના વાણિજ્ય વિભાગ દ્વારા ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસ સહિત ત્રણ દેશો પર આકરાં પગલાં, સબસિડી વિવાદના કારણે કાઉન્ટરવેલિંગ ડ્યુટી ઝીંકાઈ

નવી દિલ્હી: અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં મોટો આંચકો લાગ્યો છે. અમેરિકન વાણિજ્ય વિભાગે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસમાંથી આયાત થતા સોલર સેલ્સ અને પેનલ્સ પર ૧૨૫ ટકા સુધીની કાઉન્ટરવેલિંગ ડ્યુટી લગાવી દીધી છે. સબસિડીના વિવાદને પગલે લેવાયેલા આ નિર્ણયથી ભારતીય સૌર ઉદ્યોગની નિકાસને માઠી અસર પહોંચશે.
અમેરિકન સરકારના વાણિજ્ય વિભાગે ભારતીય સોલર ઉદ્યોગને મોટો ફટકો આપતા, ભારતમાંથી આયાત થતા સોલર સેલ્સ અને પેનલ્સ પર ૧૨૫ ટકા સુધીની કાઉન્ટરવેલિંગ ડ્યુટી એટલે કે સીવીડી લાદી દીધી છે. આ આકરો નિર્ણય અમેરિકા અને ભારત વચ્ચેના વેપારી સંબંધો માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.
પ્રાપ્ત સત્તાવાર અહેવાલો અને ડિજિટલ પ્લેટફોર્મ્સની માહિતી અનુસાર, અમેરિકાએ ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા અને લાઓસમાંથી આયાત થતા સૌર ઉત્પાદનો પર પણ આ ભારે ડ્યુટી લગાવી છે. છેલ્લા ઘણા મહિનાઓથી અમેરિકન સરકાર દ્વારા આ દેશોની સરકારો દ્વારા અપાતી સબસિડી અંગે તપાસ ચાલી રહી હતી. અમેરિકાનો આરોપ છે કે આ સરકારી સબસિડીના કારણે આ ત્રણ દેશોને વૈશ્વિક વેપારમાં અયોગ્ય ફાયદો મળી રહ્યો છે, જેના પરિણામે અમેરિકન સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં ટકી શકતા નથી.
સ્થાનિક રોજગારી બચાવવા અને અમેરિકન બજારને સુરક્ષિત રાખવાના હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું હોવાનું અમેરિકન ઉત્પાદકોનું સ્પષ્ટ કહેવું છે.
આંકડાકીય માહિતી મુજબ, ગયા વર્ષે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસ દ્વારા અમેરિકામાં સાડા ચાર અબજ ડોલરથી વધુ કિંમતના સોલર ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી, જે અમેરિકાની કુલ આયાતના બે તૃતીયાંશ જેટલો હિસ્સો ધરાવે છે. ખાસ કરીને ભારતમાંથી અમેરિકામાં થતી સોલર મોડ્યુલ્સની નિકાસમાં તાજેતરના સમયમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકાની આ ડ્યુટીના કારણે ભારતીય નિકાસકારોના નફા પર સીધી અસર પડશે.
આ પરિસ્થિતિ વચ્ચે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા સ્થાનિક સોલર ઉત્પાદન વધારવા અને આત્મનિર્ભર બનવા પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સૌર ઉર્જા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અનેક મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે,
અમેરિકાના આ આકરા નિર્ણય બાદ હવે ભારતીય સૌર કંપનીઓએ નિકાસ માટે નવા વૈશ્વિક બજારો શોધવા પડશે અથવા તો દેશના સ્થાનિક વપરાશ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નોંધનીય છે કે આવતા મહિને એન્ટી ડમ્પિંગ પેનલ્ટી અંગે પણ વધુ નિર્ણયો આવવાની પ્રબળ શક્યતા છે, જેના પર સમગ્ર ઉદ્યોગ જગતની નજર રહેલી છે.*
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
