<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

BSPના ગઢમાં ITની મોટી કાર્યવાહીઃ લખનૌથી સોનભદ્ર સુધી ઉમાશંકર સિંહના સ્‍થળે દરોડા

કેન્‍સરની સારવાર વચ્‍ચે ધારાસભ્‍યની મુશ્‍કેલી વધીઃ અધિકારીઓની ટીમ દ્વારા દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક પુરાવાઓની સઘન તપાસ

સોનભદ્ર, તા.૨૫: ઉત્તર પ્રદેશના રાજકારણમાં આજે સવારથી જ ખળભળાટ મચી ગયો છે, જ્‍યારે આવકવેરા વિભાગની ટીમોએ બહુજન સમાજ પાર્ટીના એકમાત્ર ધારાસભ્‍ય ઉમાશંકર સિંહના લખનૌ સ્‍થિત નિવાસસ્‍થાને અચાનક દરોડા પાડ્‍યા હતા. બલિયાના રાસરા મતવિસ્‍તારનું પ્રતિનિધિત્‍વ કરતા અને સતત ત્રણ ટર્મથી જીતતા ઉમાશંકર સિંહના ગોમતીનગર સ્‍થિત આવાસ અને કાર્યાલય પર સવારના વહેલા પહોરમાં જ ITની ત્રણ ટીમો ત્રાટકી હતી. લગભગ ૫૦ જેટલા અધિકારીઓનો કાફલો હાલમાં ફાઇલો, બેંક ખાતાઓ અને ડિજિટલ રેકોર્ડ્‍સની ઝીણવટભરી તપાસ કરી રહ્યો છે. મહત્‍વની વાત એ છે કે, ધારાસભ્‍ય હાલમાં કેન્‍સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને તેમની બે સર્જરી પણ થઈ ચૂકી છે, છતાં તપાસના કડક ઘેરા વચ્‍ચે તેમના મેડિકલ સ્‍ટાફને પણ અંદર પ્રવેશતા અટકાવવામાં આવ્‍યા હોવાના અહેવાલ છે.

માત્ર લખનૌ જ નહીં, પરંતુ સોનભદ્રમાં પણ આવકવેરા વિભાગે રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું છે. લગભગ ૨૫ વાહનોના કાફલા સાથે પહોંચેલા ૬૦ થી વધુ અધિકારીઓએ સોનભદ્રમાં ખાણકામ સાથે જોડાયેલા અડધો ડઝન જેટલા મોટા ઉદ્યોગપતિઓના સ્‍થાનો પર દરોડા પાડ્‍યા છે. આ ઉદ્યોગપતિઓના તાર ધારાસભ્‍ય ઉમાશંકર સિંહ સાથે જોડાયેલા હોવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. સોનભદ્રમાં ખાણકામના વ્‍યવસાયમાં મોટા પાયે કરચોરી થઈ હોવાની બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે, જેના કારણે સ્‍થાનિક વેપારી આલમમાં પણ ફફડાટ વ્‍યાપી ગયો છે.

આ દરોડાના ટાઈમિંગને લઈને હવે રાજકીય ચર્ચાઓ પણ તેજ થઈ છે. માયાવતીના વિશ્વાસુ ગણાતા ઉમાશંકર સિંહ વર્ષ ૨૦૧૨ થી અજેય રહ્યા છે, અને હાલમાં જ્‍યારે તેઓ સ્‍વાસ્‍થ્‍યના ગંભીર પ્રશ્‍નો સામે લડી રહ્યા છે ત્‍યારે આ કાર્યવાહીથી BSP કેમ્‍પમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, આવકવેરા વિભાગે હજુ સુધી આ દરોડામાં કેટલી સંપત્તિ કે વાંધાજનક દસ્‍તાવેજો મળ્‍યા છે તે અંગે સત્તાવાર મૌન સેવ્‍યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સ્‍પષ્ટ થશે કે આ માત્ર રૂટિન સર્ચ ઓપરેશન છે કે પછી કોઈ મોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થવા જઈ રહ્યો છે. 

(3:51 PM IST)