<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

૩૦ હજાર રૂપરડીમાં મોઢું નાખ્યું અને ખેલ ખતમ: ઓડિશા વિજિલન્સનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો: લાંચ લેતા ઝડપાયેલા માઈન્સ ડેપ્યુટી ડાયરેક્ટરના ઘરેથી ૪ કરોડથી વધુની રોકડ જપ્ત: ગણત્રી ચાલુ

ભુવનેશ્વર: ઓડિશા વિજિલન્સ વિભાગે ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા રાજ્યના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો રોકડ જપ્તીનો રેકોર્ડ બનાવ્યો છે. કટક સર્કલના માઈન્સ ડેપ્યુટી ડાયરેક્ટર દેબબ્રત મોહંતીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા બાદ તેમના નિવાસસ્થાને કરવામાં આવેલા દરોડામાં ૪ કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી સત્તાવાર માહિતી અનુસાર, કટક સર્કલના ખાણ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા દેબબ્રત મોહંતીએ એક લાયસન્સ ધરાવતા કોલસાના વેપારી પાસેથી તેના ડેપોના સરળ સંચાલન અને પરિવહન પરવાનગી માટે ૩૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. વેપારીની ફરિયાદના આધારે વિજિલન્સ વિભાગે છટકું ગોઠવ્યું હતું અને મોહંતીને ૩૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

 

મોહંતીની ધરપકડ બાદ વિજિલન્સની ટીમોએ તેમના ભુવનેશ્વર, કટક અને ભદ્રક સ્થિત વિવિધ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. ભુવનેશ્વરના પાટિયા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને તપાસ દરમિયાન અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અધિકારીઓને ટ્રોલી બેગ અને કબાટમાં છુપાવીને રાખવામાં આવેલી ૪ કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી છે.

 

નોંધનીય છે કે ઓડિશા વિજિલન્સના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ રકમ છે. રોકડ ગણવા માટે મશીનો મંગાવવામાં આવ્યા છે અને મોડી સાંજ સુધી ગણતરી ચાલુ હતી, જેથી આ આંકડો હજુ પણ વધી શકે છે. રોકડ ઉપરાંત અધિકારીઓને ૧૩૦ ગ્રામ સોનું અને ભુવનેશ્વરમાં એક બે માળનું આલીશાન મકાન હોવાના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. વિજિલન્સ વિભાગે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને મોહંતીની અપ્રમાણસર મિલકતો અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

(2:31 PM IST)