હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શું હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નથી દેશનું સામાજિક માળખું જોખમાય છે? ‘યાદવ જી કી લવ સ્ટોરી’ પર પ્રતિબંધની માંગ ફગાવતા સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
"થોડી જાડી ચામડીના બનો, બધું કાલ્પનિક છે": ફિલ્મના શીર્ષક અને આંતરધર્મીય લગ્નોના વિવાદ પર સર્વોચ્ચ અદાલતે અરજદારોને ખખડાવ્યા

નવી દિલ્હી | તા.૨૫: દેશની સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન સામાજિક સહિષ્ણુતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ભાર મૂકતા 'યાદવ જી કી લવ સ્ટોરી' નામની ફિલ્મ સામેની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે આ કેસની સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ફિલ્મના શીર્ષક કે વાર્તાથી કોઈ સમુદાયનું અપમાન થતું નથી. કોર્ટે અરજદારોને ટકોર કરતા કહ્યું કે, "લોકોએ થોડી જાડી ચામડીના બનવું જોઈએ, દરેક બાબતમાં વિવાદ શોધવો યોગ્ય નથી."
શું છે સમગ્ર વિવાદ?
વિશ્વ યાદવ સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ફિલ્મનું શીર્ષક યાદવ સમુદાયની છબીને નકારાત્મક રીતે રજૂ કરે છે. અરજદારે દાવો કર્યો હતો કે ફિલ્મમાં એક હિન્દુ યાદવ છોકરીને મુસ્લિમ યુવક સાથે પ્રેમમાં પડતી દર્શાવવામાં આવી છે, જે સત્ય ઘટના પર આધારિત હોવાનું કહેવાય છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે આવા ચિત્રણથી દેશના સામાજિક તાણાવાણા (Social Fabric) ને નુકસાન પહોંચી શકે છે.
સુપ્રીમ કોર્ટના તીખા સવાલો
અરજદારની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું હતું કે, "શું એક હિન્દુ છોકરી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરે તેનાથી દેશના તાણાવાણાને નુકસાન થઈ રહ્યું છે?" કોર્ટે વધુમાં ઉમેર્યું કે રેકોર્ડ પરની સામગ્રી તપાસતા એવું ક્યાંય જણાતું નથી કે ફિલ્મના શીર્ષકમાં યાદવ સમુદાય વિશે કોઈ વાંધાજનક કે નકારાત્મક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. કોર્ટે આ આશંકાઓને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી હતી.
જૂના ચુકાદાઓનો આપ્યો હવાલો
કોર્ટે ભૂતકાળના કિસ્સાઓ યાદ અપાવતા કહ્યું કે, અગાઉ 'બેન્ડિટ ક્વીન' જેવી ફિલ્મો વખતે પણ ગુર્જર સમુદાયે આવી જ દલીલો કરી હતી, જે કોર્ટે માન્ય રાખી નહોતી. તેવી જ રીતે 'ભ્રષ્ટ પંડિત' (બ્રુખ્તર) ના કેસનો ઉલ્લેખ કરી કોર્ટે સમજાવ્યું કે જ્યાં સુધી કોઈ ચોક્કસ અપમાનજનક શબ્દનો પ્રયોગ ન થયો હોય, ત્યાં સુધી તેને સમુદાયનું અપમાન ન ગણી શકાય.
"આજકાલ કોઈ થિયેટરમાં જતું નથી"
વર્તમાન સમયની વાસ્તવિકતા પર કટાક્ષ કરતા સુપ્રીમ કોર્ટે અંતમાં જણાવ્યું હતું કે, "આ બધું કાલ્પનિક છે અને એક અઠવાડિયામાં વિવાદ શમી જશે. હવે લોકો થિયેટરમાં જવાનું પણ ઓછું કરી રહ્યા છે, દરેક વ્યક્તિ પોતાના ફોન પર જ કન્ટેન્ટ જોઈ રહી છે." આ ટિપ્પણી સાથે કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને કાયમી ધોરણે ફગાવી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
