News of Wednesday, 25th February 2026
NCERT ના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્ર વિરુદ્ધ વાંધાજનક લખાણથી સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: "સંસ્થાને બદનામ કરવાનું કૃત્ય સહન નહીં કરાય"
ધોરણ 8 ના પુસ્તકમાં ભ્રષ્ટાચાર અંગેના વિવાદાસ્પદ મુદ્દાઓ પર CJI સૂર્યકાંતની સખત નારાજગી; સુઓમોટો અંતર્ગત કાર્યવાહીના સંકેત

નવી દિલ્હી | તા.૨૫: દેશની ભાવિ પેઢીના ઘડતર માટે વપરાતા NCERT ના પાઠ્યપુસ્તકો હવે વિવાદના વમળમાં ફસાયા છે. ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયતંત્ર (Judiciary) વિશે છાપવામાં આવેલી કેટલીક સામગ્રી પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સખત વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે શિક્ષણના બહાને ન્યાયતંત્ર જેવી સર્વોચ્ચ સંસ્થાની છબી ખરડવાની મંજૂરી કોઈને આપી શકાય નહીં.
શું છે વિવાદનું મૂળ?
NCERT ના ધોરણ 8 ના નવા પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રના પ્રકરણમાં કથિત રીતે 'ભ્રષ્ટાચાર' અને સંસ્થાની નબળાઈઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ ઉમેરવામાં આવી છે. વરિષ્ઠ વકીલોએ આ બાબત સુપ્રીમ કોર્ટના ધ્યાન પર લાવતા જણાવ્યું હતું કે, આવા લખાણથી વિદ્યાર્થીઓના મનમાં ન્યાયતંત્ર પ્રત્યે નકારાત્મક છબી ઊભી થઈ શકે છે. આ મુદ્દાને ગંભીરતાથી લેતા કોર્ટે તેને ન્યાયતંત્રના પાયાના માળખા વિરુદ્ધ ગણાવ્યું છે.
સીજીઆઈની આકરી ટકોર
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, "અમે કોઈપણ સંસ્થા કે વ્યક્તિને ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડવાની મંજૂરી આપી શકીએ નહીં. આ માત્ર વિષયવસ્તુનો મુદ્દો નથી, પરંતુ બંધારણીય સંસ્થાના માન-સન્માનનો પ્રશ્ન છે." જસ્ટિસ બાગચીએ પણ સૂર પુરાવતા કહ્યું કે આ પ્રકારનું શિક્ષણ માળખાગત સુવિધાઓ અને ન્યાયિક પદ્ધતિના પાયાને નબળો પાડે છે.
સુઓમોટો કાર્યવાહીની તૈયારી
સર્વોચ્ચ અદાલતે આ મામલે સંકેત આપ્યા છે કે જો જરૂર જણાશે તો કોર્ટ પોતાની રીતે (Suo Moto) સંજ્ઞાન લઈને કાનૂની કાર્યવાહી શરૂ કરશે. કાયદો પોતાનું કામ કરશે અને NCERT એ જવાબ આપવો પડશે કે કયા આધારે અને કોની મંજૂરીથી આ પ્રકારની સામગ્રી પુસ્તકમાં સામેલ કરવામાં આવી.
નિષ્ણાતો માને છે કે જો પાઠ્યપુસ્તકોમાં ન્યાયતંત્ર વિશે પાયાવિહોણી વાતો લખવામાં આવી હોય, તો તે ન્યાયિક તિરસ્કાર (Contempt of Court) ની શ્રેણીમાં પણ આવી શકે છે. આગામી દિવસોમાં આ મામલે કેન્દ્ર સરકાર અને NCERT ને નોટિસ ફટકારવામાં આવે તેવી શક્યતા છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
