<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ઝારખંડના CM હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટનું સુરક્ષા કવચ: EDની તપાસ પર સ્ટે મૂકતા CJI એ પૂછ્યું - "શું એજન્સીનું કામ માત્ર ફરિયાદોના થોકડા ભેગા કરવાનું છે?"

"પરિણામ આપે તેવા કામ પર ઉર્જા વાપરો": અખબારી અહેવાલોનો હવાલો આપી ચીફ જસ્ટિસ સૂર્યકાંતે તપાસ એજન્સીની કાર્યશૈલી પર ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી | તા.૨૫: ઝારખંડના રાજકારણમાં ભારે ચર્ચિત એવા જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનને દેશની સર્વોચ્ચ અદાલતમાંથી મોટી રાહત મળી છે. બુધવારે સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોરેન વિરુદ્ધ ચાલી રહેલી ટ્રાયલ પર વચગાળાનો સ્ટે (રોક) લગાવી દીધો છે. આ સાથે જ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે તપાસ એજન્સીને આકરી ફટકાર લગાવીને ભવિષ્ય માટે મહત્વની સલાહ પણ આપી છે.

ED ને સુપ્રીમ કોર્ટનો સણસણતો ઠપકો

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ED ની કાર્યપ્રણાલી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "અમે અખબારોમાં વાંચ્યું છે કે એજન્સીએ મોટી સંખ્યામાં 'બલ્ક ફરિયાદો' (જથ્થાબંધ ફરિયાદો) દાખલ કરી છે. એજન્સીએ પોતાની તમામ શક્તિ અને ધ્યાન એવા મુદ્દાઓ પર કેન્દ્રિત કરવું જોઈએ જેમાંથી કોઈ રચનાત્મક પરિણામ નીકળે." કોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે વિપક્ષી નેતાઓ સતત તપાસ એજન્સીઓના દુરુપયોગનો આક્ષેપ કરી રહ્યા છે.

શું હતો સમગ્ર વિવાદ?

ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના વડા હેમંત સોરેન સામે જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. ED એ તેમને વારંવાર સમન્સ જારી કર્યા હોવા છતાં તેઓ હાજર ન રહેતા એજન્સીએ તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. અગાઉ ઝારખંડ હાઈકોર્ટે સોરેનની અરજી ફગાવી દીધી હતી, જેને તેમણે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સોરેનનો તર્ક હતો કે તેમને વારંવાર સમન્સ આપીને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે ED પાસે માંગ્યો જવાબ

CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની ત્રણ સભ્યોની બેન્ચે હેમંત સોરેનની અરજી પર ED ને નોટિસ ફટકારી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ મામલે આગળની સુનાવણી ન થાય, ત્યાં સુધી હેમંત સોરેન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કઠોર કાર્યવાહી કરી શકાશે નહીં.

આ ચુકાદાથી ઝારખંડ સરકાર અને હેમંત સોરેનને મોટી રાજકીય અને કાનૂની રાહત મળી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સુનાવણીમાં ED કોર્ટના સવાલોનો શું જવાબ આપે છે.

(4:08 PM IST)