હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિધાનસભામાં પત્નીએ ધારાસભ્ય બનીને મુખ્યમંત્રી પતિનો ઉધડો લીધો: પ્રોજેક્ટમાં વિલંબ મુદ્દે કોનરાડ સંગમાને પત્નીના તીખા સવાલો
"ડેરી અને ફિશરી કોલેજોનું કામ ક્યાં અટક્યું?": મેઘાલય ગૃહમાં પતિ-પત્ની વચ્ચે ખેલાયો લોકશાહીનો અનોખો જંગ; સોશિયલ મીડિયા પર ચર્ચાની એરણે

શિલોંગ | તા.૨૫: લોકશાહીની સુંદરતા ત્યારે જોવા મળી જ્યારે મેઘાલય વિધાનસભામાં એક ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીને વિકાસના કામો મુદ્દે ભીંસમાં લીધા. વિશેષ વાત એ હતી કે પ્રશ્ન પૂછનાર ધારાસભ્ય મહેતાબ ચંડી સંગમા હતા અને જવાબ આપનાર મુખ્યમંત્રી કોનરાડ સંગમા હતા, જેઓ વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની છે. ગૃહમાં ચાલી રહેલી આ ચર્ચાએ સૌના ધ્યાન ખેંચ્યા હતા, કારણ કે પત્નીએ પત્ની તરીકે નહીં પણ જનતાના પ્રતિનિધિ તરીકે પતિ સામે સવાલોનો મારો ચલાવ્યો હતો.
વિકાસના કામોમાં વિલંબ મુદ્દે ભીંસ
ગમબેગ્રે મતવિસ્તારના ધારાસભ્ય મહેતાબ ચંડી સંગમાએ ૨૦૨૨માં કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ વેટરનરી (પશુચિકિત્સા) કોલેજ, બે ફિશરી કોલેજ અને ડેરી કોલેજની વર્તમાન સ્થિતિ અંગે તીખા સવાલો કર્યા હતા. તેમણે મુખ્યમંત્રીને પૂછ્યું હતું કે આટલા વર્ષો વીત્યા હોવા છતાં આ શૈક્ષણિક પ્રોજેક્ટ્સની પ્રગતિ આટલી ધીમી કેમ છે? આ પ્રોજેક્ટ્સ રાજ્યના યુવાનો માટે રોજગારી અને શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે.
મેનપાવરની અછત પર પણ પ્રહાર
માત્ર કોલેજો જ નહીં, પરંતુ મહેતાબે રાજ્યભરના પશુચિકિત્સા તાલીમ કેન્દ્રોમાં કર્મચારીઓની ભારે અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે માળખાગત સુવિધાઓના અભાવે પશુપાલકો અને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પત્નીના સવાલોના જવાબ આપતા સરકારી પ્રક્રિયાઓમાં થતા વિલંબ અને ભવિષ્યના રોડમેપ અંગે સ્પષ્ટતા કરી હતી.
સોશિયલ મીડિયા પર વાહવાહી
વિધાનસભામાં પતિ-પત્ની વચ્ચેની આ તંદુરસ્ત ચર્ચાના વીડિયો અને સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોકો આ ઘટનાને લોકશાહીના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે જોઈ રહ્યા છે, જ્યાં અંગત સંબંધોને બાજુ પર રાખીને જનહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું. સત્તા પક્ષના મુખ્યમંત્રી હોવા છતાં, તેમની પત્નીએ વિપક્ષ જેવી જ આક્રમકતા સાથે પ્રશ્નો પૂછીને વહીવટીતંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
