<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

UP ચૂંટણી 2027: અખિલેશ યાદવનો મોટો ધડાકો, શું ‘INDIA’ ગઠબંધન તૂટશે? સમાજવાદી પાર્ટીના આગામી પ્લાનથી કોંગ્રેસના શ્વાસ અધ્ધર

"પીડીએ સરકાર આવશે તો જ સામાજિક ન્યાય મળશે": અખિલેશે સીએમ યોગી પર કર્યા આકરા પ્રહાર, શંકરાચાર્યના અપમાન મુદ્દે ભાજપને લીધું આડેહાથ

ઉન્નાવ | તા.25: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય પારો અત્યંત ગરમ થયો છે. ઉન્નાવની મુલાકાતે પહોંચેલા સમાજવાદી પાર્ટીના મુખિયા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે 'INDIA' ગઠબંધન અને ૨૦૨૭ની રણનીતિ અંગે આપેલા નિવેદને રાજકીય ગલીઓમાં અનેક તર્ક-વિતર્ક શરૂ કરી દીધા છે. એક તરફ અખિલેશ ગઠબંધન જાળવી રાખવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના બદલાયેલા તેવર યુપીના રાજકારણમાં નવા વળાંકના સંકેત આપી રહ્યા છે.

ગઠબંધન કે એકલા હાથે? અખિલેશની રહસ્યમય ચાલ

અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ સાથેની તેમની મિત્રતા 'પીડીએ' (પછાત, દલિત, અલ્પસંખ્યક) ની સ્ટ્રેટેજી પર આધારિત છે. તેમણે કહ્યું, "અમે સામાજિક ન્યાયની સ્થાપના માટે લડી રહ્યા છીએ અને આશા છે કે ભવિષ્યમાં બધા અમને આ લડાઈમાં મદદ કરશે." જોકે, અખિલેશ ભલે ગઠબંધનના ગુણગાન ગાતા હોય, પણ યુપી કોંગ્રેસના નેતાઓનો સૂર અલગ જ સંભળાઈ રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયના તાજેતરના નિવેદનો સૂચવે છે કે કોંગ્રેસ હવે સીટોની વહેંચણીમાં નમતું જોખવા તૈયાર નથી અને એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ પણ કરી રહી છે.

સીએમ યોગી પર ધારદાર પ્રહાર: "પ્લેટ-ચમચી લઈને ગયા"

ઉન્નાવમાં એક શ્રદ્ધાંજલિ સમારોહમાં હાજરી આપવા પહોંચેલા અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર સીધું નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, "સીએમ કહે છે કે તેમની સરકાર પહેલા માફિયા હતા, પણ તેમના પરથી કેસ પાછા ખેંચનાર કોણ છે? ઉપદ્રવી કોણ છે તે જનતા જાણે છે." વધુમાં કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે ગયા ત્યારે પ્લેટ, કટોરી અને ચમચી પણ સાથે લેતા ગયા હતા.

શંકરાચાર્યના વિવાદમાં ઝંપલાવ્યું

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર નોંધાયેલા કેસ અંગે અખિલેશે ભાજપના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ સામે જે પણ બોલશે તેના વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવશે. "ગંગા સ્નાન કરવા ગયેલા શંકરાચાર્યના રથને રોકવામાં આવ્યો અને હવે તેમના પર જૂઠા કેસ થઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ ચરણ વંદના કરે છે અને બીજી તરફ પોલીસ દ્વારા શંકરાચાર્યનું અપમાન કરવામાં આવે છે, આ ભાજપનું બેવડું વલણ છે."

૨૦૨૭ની ચૂંટણીમાં બે દિગ્ગજ પક્ષો વચ્ચેની આ ખેંચતાણ શું નવા સમીકરણો રચશે? શું અખિલેશ અને રાહુલ ગાંધીની જોડી ફરી સાથે દેખાશે કે બંને રસ્તા અલગ કરી દેશે? તે જોવું હવે રસપ્રદ રહેશે.

(4:34 PM IST)