હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેરબજારમાં ‘હાઈ વોલ્ટેજ’ ડ્રામા: નિફ્ટી 25,650 ની ઊંચાઈએ પહોંચ્યા બાદ કેમ ફસક્યો? જાણો માર્કેટમાં પ્રોફિટ બુકિંગ પાછળના મુખ્ય કારણો
IT અને ફાર્મા શેરોએ બજારને ટેકો આપ્યો, પણ બેંક નિફ્ટીના સુસ્ત વલણે રોકાણકારોની ચિંતા વધારી; એક્સપર્ટ્સના મતે આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે અસ્થિરતા

મુંબઈ | તા.25: ભારતીય શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બુધવારે ટ્રેડિંગ સત્ર દરમિયાન નિફ્ટી-50 એ એક સમયે 25,652 ની ઈન્ટ્રાડે હાઈ સપાટી વટાવીને તેજીના સંકેત આપ્યા હતા, પરંતુ ઉપરના સ્તરે ટકી રહેવામાં નિષ્ફળતા મળી હતી. દિવસના અંતે નિફ્ટી 25,482 (+0.23%) પર અને સેન્સેક્સ 82,276 (+0.06%) પર સાધારણ વધારા સાથે બંધ રહ્યા હતા. સવારની શાનદાર તેજી બાદ બજારમાં અચાનક આવેલી વેચવાલીએ રોકાણકારોને વિચારતા કરી દીધા છે.
શા માટે 25,600 ના સ્તરે વેચવાલી હાવી થઈ?
બજારના વિશ્લેષકોના મતે, નિફ્ટી અત્યારે 25,450 થી 25,650 ની એક ચોક્કસ રેન્જમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. જ્યારે પણ ઈન્ડેક્સ 25,600 ની પાર જાય છે, ત્યારે મોટા રોકાણકારો પ્રોફિટ બુકિંગ (નફો વસૂલવો) કરવાનું પસંદ કરી રહ્યા છે. આજે પણ દિવસના મધ્યમાં નિફ્ટી 25,650 ના સ્તરેથી નીચે સરકીને 25,450 સુધી પહોંચી ગયો હતો, જોકે છેલ્લા કલાકમાં થયેલી રિકવરીએ બજારને લાલ નિશાનમાં જતું બચાવ્યું હતું.
સેક્ટરલ અપડેટ: કોણે બચાવ્યું અને કોણે ડૂબાડ્યું?
આજના કારોબારમાં આઈટી (IT), મેટલ અને ફાર્મા સેક્ટરના શેરોમાં સારી રિકવરી જોવા મળી હતી, જેના કારણે માર્કેટ પોઝિટિવ બંધ રહ્યું. બીજી તરફ, બેંક નિફ્ટી લગભગ સપાટ રહ્યો હતો. બેંકિંગ શેરોમાં જોવા મળતી સુસ્તી બજારની મોટી તેજી માટે સૌથી મોટો અવરોધ સાબિત થઈ રહી છે. અન્ય સેક્ટરોમાં પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
નિષ્ણાતોનો મત: હવે આગળ શું?
બજારના જાણકારો મુજબ, નિફ્ટી માટે 25,650 એક મજબૂત અવરોધ (Resistance) તરીકે કામ કરી રહ્યો છે. જ્યાં સુધી નિફ્ટી આ સપાટીની ઉપર મજબૂતી સાથે બંધ ન આવે, ત્યાં સુધી નવી મોટી તેજીની શક્યતા ઓછી છે. રોકાણકારોને અત્યારે 'વેઈટ એન્ડ વોચ' ની નીતિ અપનાવવા અને ગુણવત્તાયુક્ત શેરોમાં જ રોકાણ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
