<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

વિજય-રશ્મિકાના લગ્ન માટે PM મોદીએ પાઠવ્યા આશીર્વાદ; પત્રમાં લખ્યું - "સાત ફેરા એ માત્ર વિધિ નહીં, પરંતુ અતૂટ મિત્રતાનું વચન છે"

"રૂપેરી પડદાનો જાદુ હવે વાસ્તવિક જીવનમાં ચમકશે": પ્રધાનમંત્રીએ દેવેરાકોંડા અને મંડન્ના પરિવારને પાઠવ્યા હાર્દિક અભિનંદન; ઉદયપુરમાં થશે શાહી લગ્ન

નવી દિલ્હી | તા.૨૫: દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા અને 'નેશનલ ક્રશ' રશ્મિકા મંડન્નાના લગ્નને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૨૬ ફેબ્રુઆરીએ જ્યારે આ જોડી લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહી છે, ત્યારે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવદંપતીને ખાસ સંદેશ પાઠવીને સૌનું દિલ જીતી લીધું છે. પીએમ મોદીએ વિજય દેવેરાકોંડાના માતા-પિતાને પત્ર લખીને આ જોડીના નવા જીવન માટે શુભકામનાઓ પાઠવી છે.

પત્રમાં પીએમ મોદીનો અનોખો અંદાજ

પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં ભારતીય લગ્ન પરંપરાની સુંદરતા વર્ણવતા લખ્યું છે કે, "મને ૨૬ ફેબ્રુઆરીના રોજ વિજય અને રશ્મિકાના લગ્નનું આમંત્રણ મળતા અત્યંત આનંદ થયો છે. ભારતીય સંસ્કૃતિમાં સાત ફેરા લેવાનો અર્થ માત્ર લગ્ન નથી, પરંતુ જીવનભર માટે એકબીજાના 'સખા' એટલે કે મિત્રો બનવાનું વચન છે." તેમણે ઉમેર્યું કે આ લગ્ન બંને પરિવારો માટે એક અત્યંત શુભ અને આનંદદાયક પ્રસંગ છે.

"પરદા પરના જાદુ કરતા વાસ્તવિક જીવન વધુ તેજસ્વી હશે"

પીએમ મોદીએ બંને કલાકારોના ફિલ્મી કરિયરની પ્રશંસા કરતા લખ્યું કે, વિજય અને રશ્મિકા ફિલ્મોની સ્ક્રિપ્ટ અને વાર્તાઓથી પરિચિત છે અને તેઓ જાણે છે કે કેમેરા સામે જાદુ કેવી રીતે ઉભો કરવો. પરંતુ તેમના વાસ્તવિક જીવનનો આ નવો અધ્યાય, જે પ્રેમ અને અતૂટ વિશ્વાસ પર આધારિત છે, તે ફિલ્મી પડદાના જાદુ કરતા પણ વધુ તેજસ્વી ચમકશે. તેમણે દંપતીને એકબીજાની ખામીઓ સ્વીકારી અને એકબીજાની શક્તિ બનીને જીવનની સફર પૂર્ણ કરવાની સલાહ આપી છે.

ઉદયપુરમાં યોજાશે રજવાડી લગ્ન

વિજય અને રશ્મિકાના આ હાઈ-પ્રોફાઈલ લગ્ન રાજસ્થાનના લેક સિટી ઉદયપુરમાં યોજાવાના છે. ઉદયપુરની વૈભવી હોટેલ 'મેમેન્ટોસ બાય આઈટીસી હોટેલ્સ એકાયા' (Mementos by ITC Hotels Ekaaya) ખાતે આ શાહી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નમાં ફિલ્મી જગતની હસ્તીઓ ઉપરાંત અનેક રાજકીય દિગ્ગજો પણ હાજરી આપે તેવી શક્યતા છે.

ચાહકો હવે આતુરતાથી ૨૬ ફેબ્રુઆરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે સિનેમાની આ સૌથી લોકપ્રિય જોડી હંમેશા માટે એકબીજાના જીવનસાથી બનશે.

(4:46 PM IST)