<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

બંગાળમાં મતદાર યાદીના વિવાદ પર સુપ્રીમ કોર્ટ એક્શન મોડમાં: EROs અને AEROs ને કડક આદેશ – ‘કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ દસ્તાવેજો સોંપો’

ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ ન થયા હોય તેવા ડોક્યુમેન્ટ્સ પણ ન્યાયાધીશોને આપવા પડશે; યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા માટે ત્રણ રાજ્યોના જજોની મદદ લેવા પણ તૈયારી

નવી દિલ્હી | તા.25: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયામાં જોવા મળી રહેલી ગંભીર વિસંગતતાઓ વચ્ચે બુધવારે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેન્ચે ચૂંટણી અધિકારીઓને કડક સૂચના આપી છે કે મતદારો દ્વારા સબમિટ કરાયેલા તમામ દસ્તાવેજો ૨૬ ફેબ્રુઆરીની સાંજ સુધીમાં તપાસ માટે રોકાયેલા ન્યાયિક અધિકારીઓને સુપરત કરવામાં આવે. કોર્ટના આ આકરા વલણથી બંગાળના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પોર્ટલ પર અપલોડ ન થયા હોય તેવા દસ્તાવેજોની પણ થશે તપાસ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ મતદારે ૧૪ ફેબ્રુઆરી સુધીમાં લેખિત અથવા ડિજિટલ સ્વરૂપે દસ્તાવેજો જમા કરાવ્યા હોય, પરંતુ ચૂંટણી પંચના પોર્ટલ પર તે હજુ સુધી અપલોડ થયા ન હોય, તો પણ તે દસ્તાવેજોને માન્ય રાખવામાં આવશે. તમામ EROs (ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ) અને AEROs એ આ દસ્તાવેજો ૨૬ ફેબ્રુઆરીના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં તપાસ ટીમ પાસે જમા કરાવવાના રહેશે. આ નિર્ણયનો હેતુ એ છે કે કોઈપણ પાત્ર મતદાર ટેકનિકલ ખામીને કારણે યાદીમાંથી બહાર ન રહી જાય.

જજોની સંખ્યા ઓછી પડતા વધારાની કુમક મંગાવાઈ

બંગાળમાં લાખોની સંખ્યામાં વિવાદિત અરજીઓ સામે આવતા કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ૨૫૦ ન્યાયિક અધિકારીઓનું બળ આ કામ માટે ઓછું પડી રહ્યું છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સિવિલ જજ સ્તરના અધિકારીઓને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, જરૂર પડે તો ઝારખંડ અને ઓરિસ્સા હાઈકોર્ટના ન્યાયિક અધિકારીઓની પણ મદદ લેવા માટે ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે છૂટ આપી છે.

૨૮ ફેબ્રુઆરી સુધીની સમયમર્યાદા: પૂરક યાદીની જોગવાઈ

અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે આ કામગીરી ‘યુદ્ધના ધોરણે’ પૂર્ણ થવી જોઈએ. જો ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં તમામ કેસોની ચકાસણી પૂર્ણ ન થઈ શકે, તો ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કર્યા પછી પણ એક પૂરક યાદી (Supplementary List) જારી કરવી પડશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.

બંગાળમાં મતદાર યાદીમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટનું આ કડક મોનિટરિંગ આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા વધારશે તેવું માનવામાં આવી રહ્યું છે.

(4:56 PM IST)