<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ટ્રમ્પના દાવાઓનો ફુગ્ગો ફૂટ્યો: ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ ભાષણમાં રાષ્ટ્રપતિએ બોલેલા 5 મોટા જુઠ્ઠાણાનો અમેરિકન મીડિયાએ કર્યો પર્દાફાશ!

8 યુદ્ધો રોકવાથી લઈને વીજળીના ભાવ ઘટાડવા સુધીના દાવા નીકળ્યા પોકળ; ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ સહિતના અખબારોએ પુરાવા સાથે ટ્રમ્પની ટીકા કરી

વોશિંગ્ટન | તા.૨૫: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઇતિહાસનું સૌથી લાંબુ 'સ્ટેટ ઓફ ધ યુનિયન' ભાષણ આપીને રેકોર્ડ તો બનાવ્યો, પણ આ ભાષણ હવે વિવાદોના વમળમાં ફસાયું છે. ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન અમેરિકાની અર્થવ્યવસ્થા, સુરક્ષા અને વિદેશ નીતિને લઈને જે દાવા કર્યા હતા, તેને અમેરિકન મીડિયાએ જ 'ફેક્ટ-ચેક' કરીને ખોટા સાબિત કર્યા છે. ન્યૂ યોર્ક ટાઇમ્સ સહિતના અગ્રણી અખબારોએ ટ્રમ્પના પાંચ મુખ્ય દાવાઓને સદંતર જુઠ્ઠાણા ગણાવ્યા છે.

1. અર્થતંત્ર અને નોકરીઓનો ખોટો દાવો

ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી વધુ ગતિએ વધી રહ્યું છે અને ઇતિહાસમાં સૌથી વધુ લોકોને નોકરીઓ મળી છે. જોકે, સરકારી ડેટા કંઈક અલગ જ વાર્તા કહે છે. ૨૦૨૫ માં અમેરિકામાં માત્ર ૧,૮૧,૦૦૦ નવી નોકરીઓ ઉમેરવામાં આવી હતી, જે કોવિડ-૧૯ ના સમયગાળા કરતા પણ ઓછી છે. નોકરી શોધનારાઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

2. ઇમિગ્રન્ટ્સ અને ક્રાઈમ અંગેની ગેરસમજ

ટ્રમ્પે એરેના જારુસ્કાની હત્યા માટે એક 'ખતરનાક ઇમિગ્રન્ટ' (પરપ્રાંતિય) ને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં ધરપકડ કરાયેલ ડીકાર્લોસ બ્રાઉન જુનિયર અમેરિકન નાગરિક છે અને ઇમિગ્રન્ટ નથી. ટ્રમ્પ સતત અમેરિકામાં હિંસા માટે બહારથી આવતા લોકોને જવાબદાર ગણાવતા રહ્યા છે, જે આ કિસ્સામાં ખોટું સાબિત થયું છે.

3. વીજળીના ભાવમાં ઘટાડો કે વધારો?

રાષ્ટ્રપતિએ ભાષણમાં કહ્યું કે અમેરિકામાં વીજળીના ભાવ અવિશ્વસનીય રીતે ઘટી રહ્યા છે. હકીકતમાં, ગયા વર્ષે અમેરિકામાં પ્રતિ ઘર એનર્જી બિલમાં ૬.૭ ટકાનો વધારો થયો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ટ્રમ્પના શાસનમાં કંપનીઓએ દર વધારવાની માંગ કરી છે, જેના કારણે ૨૦૩૫ સુધીમાં ભાવમાં ૧૮ ટકાનો વધારો થઈ શકે છે.

4. ગેસના ભાવ પરનું પિષ્ટપિંજણ

ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગેસના ભાવ ઘટીને પ્રતિ ગેલન $૧.૯૯ સુધી પહોંચી ગયા છે. વાસ્તવિકતા એ છે કે અમેરિકાના કેટલાક રાજ્યોમાં હજુ પણ ગેસનો ભાવ પ્રતિ ગેલન $૪.૬૦ જેટલો ઊંચો છે. પર્યાવરણીય પ્રતિબંધોને કારણે આગામી સમયમાં આ ભાવ હજુ વધવાની શક્યતા છે.

5. 8 યુદ્ધો બંધ કરવાનો વિવાદાસ્પદ દાવો

ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે પોતાના કાર્યકાળના પહેલા ૧૦ મહિનામાં ૮ યુદ્ધો બંધ કરાવ્યા છે. સત્ય એ છે કે અમેરિકા માત્ર ૬ યુદ્ધોમાં જ કોઈને કોઈ રીતે સામેલ હતું, બાકીના બેમાં તેની કોઈ ભૂમિકા નહોતી. વધુમાં, ગાઝામાં યુદ્ધવિરામનો તેમનો દાવો પણ ખોટો ઠર્યો છે, કારણ કે ત્યાં હજુ પણ ઇઝરાયલી હુમલામાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ 'સુપર લેન્થ' ભાષણે ભલે ઇતિહાસ રચ્યો હોય, પણ તેના તથ્યોએ વહીવટીતંત્રની વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

(5:26 PM IST)