હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇઝરાયેલમાં મોદીનું ભવ્ય સ્વાગત: જ્યારે નેતન્યાહૂએ પત્નીના ડ્રેસ અને મોદીના પોકેટ સ્ક્વેરનો ‘કેસરી’ કનેક્શન બતાવ્યો!
પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પહોંચ્યા બેન્જામિન નેતન્યાહૂ અને સારા: પીએમ મોદીને ગળે લગાવીને જૂની દોસ્તી તાજી કરી: “હા, હા... કેસરી!” કહીને ત્રણેય ખડખડાટ હસી પડ્યા : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મૈત્રીભર્યો આ અંદાજ

તેલ અવીવ: ભારત અને ઇઝરાયેલના સંબંધોમાં ફરી એકવાર ઉષ્મા અને આત્મીયતાના દ્રશ્યો જોવા મળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ તમામ રાજદ્વારી પ્રોટોકોલ બાજુ પર મૂકીને પોતાની પત્ની સારા નેતન્યાહૂ સાથે જાતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી વિમાનમાંથી બહાર નીકળ્યા કે તરત જ નેતન્યાહૂએ ભારતીય સંસ્કૃતિ મુજબ હાથ જોડીને ‘નમસ્તે’ કર્યું હતું. બંને નેતાઓએ એકબીજાને ઉષ્માભેર આલિંગન આપ્યું હતું, જે દર્શાવે છે કે આ માત્ર બે દેશોના વડાઓ વચ્ચેની મુલાકાત નથી, પરંતુ બે પાકા મિત્રોનું મિલન છે.
આ સ્વાગત દરમિયાન એક અત્યંત રમુજી અને રસપ્રદ કિસ્સો કેમેરામાં કેદ થયો હતો. પીએમ મોદી જ્યારે નેતન્યાહૂની પત્ની સારા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે નેતન્યાહૂનું ધ્યાન અચાનક પીએમ મોદીના જેકેટમાં લગાવેલા ‘પોકેટ સ્ક્વેર’ (રૂમાલ) પર ગયું. તેમણે પીએમ મોદીના એ પોકેટ સ્ક્વેર અને પોતાની પત્નીના ડ્રેસ તરફ ઈશારો કર્યો. સંજોગવશાત, બંનેનો રંગ એકસરખો ‘કેસરી’ હતો. નેતન્યાહૂના ઈશારા પર પીએમ મોદીએ પણ હસતા હસતા જવાબ આપ્યો, "હા, હા... કેસરી." આ નાનકડી વાત પર ત્રણેય મહાનુભાવો ખડખડાટ હસી પડ્યા હતા, જેના વીડિયોએ અત્યારે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીના સ્વાગતની તસવીરો શેર કરતા લખ્યું કે, "પ્રધાનમંત્રી મોદી, ઇઝરાયેલમાં તમારું સન્માન કરીને મને ગર્વ થાય છે." આ મુલાકાત માત્ર રંગોના સંયોગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત સંરક્ષણ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાનો સંકેત છે. પીએમ મોદીની આ મુલાકાતથી આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે ઘણા મહત્વના કરારો થવાની સંભાવના છે, જેની અસર સમગ્ર વિશ્વના રાજકારણ પર પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
