હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાડીઓની માઈલેજ વધશે : પણ ખિસ્સું ખાલી થશે! CAFE-3 નિયમો માટે સરકારનો PMOને ‘પાવરફુલ’ પ્રસ્તાવ
એપ્રિલ ૨૦૨૭ થી બદલાઈ જશે તમારી કારની દુનિયા: પ્રદૂષણ ઘટાડવા અને એવરેજ વધારવા માટે સરકારની કડક તૈયારી: નાની કારોને મળનારી રાહત પર કાતર ફરે તેવી શક્યતા

નવી દિલ્હી: ભારતના રસ્તાઓ પર દોડતા વાહનો હવે વધુ ઈંધણ-કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ બને તે માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. ઉર્જા મંત્રાલયે 'કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી' (CAFE-3) ના કડક નિયમોનો ફાઈનલ પ્રસ્તાવ મંજૂરી માટે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ને મોકલી આપ્યો છે. ભારે ઉદ્યોગ મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ આ મહત્વપૂર્ણ સંકેત આપતા જણાવ્યું હતું કે, આ નવા નિયમોનો મુખ્ય હેતુ પેસેન્જર વાહનો દ્વારા થતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનો અને કંપનીઓને વધુ માઈલેજ આપતી ટેકનોલોજી અપનાવવા મજબૂર કરવાનો છે. આ પગલું ભારતના ઓટો સેક્ટરમાં એક નવી ક્રાંતિ લાવશે, પરંતુ તેની સાથે જ કારની કિંમતોમાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે.
CAFE-3 નિયમોને લઈને અત્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટમાં ૪ મીટરથી નાની અને ૧૨૦૦ સીસી સુધીના એન્જિનવાળી કારોને કાર્બન ઉત્સર્જનમાં થોડી છૂટછાટ આપવાની વાત હતી. જોકે, આ દરખાસ્તથી એસયુવી અને મોટી કાર બનાવતી કંપનીઓ ભડકી હતી, કારણ કે તેમને લાગતું હતું કે આનો સીધો ફાયદો માત્ર મારુતિ સુઝુકી જેવી નાની કાર બનાવતી કંપનીઓને જ મળશે. વિવાદ વધતા હવે એવા અહેવાલો છે કે પીએમઓને મોકલેલા અંતિમ પ્રસ્તાવમાં નાની કારોને મળનારી આ વિશેષ રાહત દૂર કરવામાં આવી હોઈ શકે છે. જો આવું થશે, તો એન્ટ્રી-લેવલની સસ્તી કારોના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થશે કારણ કે કંપનીઓએ એન્જિનને વધુ હાઈ-ટેક બનાવવા પડશે.
સરકારનો અંતિમ ટાર્ગેટ દેશને ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો તરફ વાળવાનો છે. કુમારસ્વામીએ ગર્વ સાથે જણાવ્યું કે 'પીએમ ઈ-ડ્રાઈવ' યોજના હેઠળ અત્યાર સુધીમાં ૨૮ લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો વેચાઈ ચૂક્યા છે, જેમાં ૨૦ લાખથી વધુ ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. CAFE-3 ના કડક માપદંડોને પૂર્ણ કરવા માટે કાર ઉત્પાદકોએ કાં તો એન્જિનની કાર્યક્ષમતા વધારવી પડશે અથવા તેમના પોર્ટફોલિયોમાં વધુ ઇલેક્ટ્રિક મોડલ્સ લાવવા પડશે. એપ્રિલ ૨૦૨૭ થી આ નિયમો લાગુ થયા બાદ પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ ચલાવવી મોંઘી બની શકે છે, પરંતુ તેનાથી દેશની હવાની ગુણવત્તામાં ચોક્કસપણે સુધારો જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
