<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ઇસ્લામિક નાટોનું સપનું થશે ચકનાચૂર! નેતન્યાહૂનો ‘ પ્લાન’ પાકિસ્તાન અને તુર્કીના અસ્તિત્વ સામે ખતરો

ભારત અને ઇઝરાયલ રચશે નવો ‘પાવર બ્લોક’ : ૪૩ વર્ષ જૂની અધૂરી ઈચ્છા હવે પૂરી કરશે તેલ અવીવ: ગ્રીસ, સાયપ્રસ અને આરબ દેશો સાથે મળીને ઇઝરાયલે ફેંક્યો પાસો

તેલ અવીવ: વૈશ્વિક રાજકારણના પટલ પર એક એવો ભૂકંપ આવવાની તૈયારી છે, જે પાકિસ્તાન અને તુર્કી જેવા દેશોના ‘ઇસ્લામિક નાટો’ બનાવવાના ખવાબને કાયમ માટે દફનાવી દેશે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદીની મુલાકાત પહેલા એક ખતરનાક ‘ષટ્કોણ યોજના’  તૈયાર કરી છે. આ માસ્ટર પ્લાન મુજબ, ઇઝરાયલ ભારતને કેન્દ્રમાં રાખીને આરબ દેશો, ગ્રીસ, સાયપ્રસ અને આફ્રિકાના દેશો સાથે મળીને એક નવો સુરક્ષા બ્લોક બનાવવા માંગે છે. આ ગઠબંધન માત્ર આતંકવાદ સામે જ નહીં લડે, પરંતુ ભૂમધ્ય સમુદ્રથી લઈને હિંદ મહાસાગર સુધી તુર્કી અને પાકિસ્તાનના વધતા વર્ચસ્વને જડમૂળથી ઉખેડી નાખશે.

આ વ્યૂહાત્મક લડાઈમાં તુર્કી અને પાકિસ્તાન ઇઝરાયલના રડાર પર છે. તુર્કી સતત કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ નિવેદનો આપે છે અને ઇઝરાયલને ધમકીઓ આપે છે, જ્યારે પાકિસ્તાન હમાસના નેતાઓનું આશ્રયસ્થાન બની રહ્યું છે. ઇઝરાયલે ભારતને ગુપ્ત માહિતી આપી છે કે પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ‘નોવા મ્યુઝિક ફેસ્ટિવલ’ જેવા ભયાનક હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. નેતન્યાહૂની યોજના આ દેશોને બાયપાસ કરીને નવો વેપારી માર્ગ બનાવવાની છે, જે તુર્કીને આર્થિક રીતે પાયમાલ કરી દેશે. ભારત અત્યારે આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે, કારણ કે આ જોડાણ ભારતને પશ્ચિમ એશિયામાં સર્વોચ્ચ શક્તિ બનાવી શકે છે.

ઇતિહાસ પર નજર કરીએ તો, ૧૯૮૧ માં ઇઝરાયલે તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીને પાકિસ્તાનના પરમાણુ મથકો પર હુમલો કરવાની ઓફર આપી હતી, પરંતુ તે સમયે વૈશ્વિક દબાણને કારણે ભારત પાછળ હટી ગયું હતું. આજે ૪૩ વર્ષ બાદ ઇઝરાયલ ફરી એ જ ઉત્સાહ સાથે ભારત પાસે આવ્યું છે. નેતન્યાહૂનું માનવું છે કે જો ભારત અને ઇઝરાયલ વૈચારિક અને સૈન્ય રીતે એક થઈ જશે, તો દુનિયામાં એક નવો વર્લ્ડ ઓર્ડર સ્થાપિત થશે. પાકિસ્તાન પાસે આજે જે પરમાણુ શક્તિનું અભિમાન છે, તેને ઇઝરાયલ ભારતની મદદથી તકનીકી અને વ્યૂહાત્મક રીતે નિષ્ક્રિય કરવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે ભારત આ ‘ષટ્કોણ યોજના’ માં સત્તાવાર રીતે જોડાઈને દાયકાઓ જૂના આતંકના ગઢને કઈ રીતે તોડે છે.

 

(6:50 PM IST)