હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગ્રીસમાં પ્રવાસનનો સુવર્ણકાળ: ૨૦૨૫માં પ્રવાસીઓના આગમન અને કમાણીએ તમામ રેકોર્ડ તોડ્યા, યુરોપના ટોચના દેશોને આપી ટક્કર
સતત ત્રીજા વર્ષે પ્રવાસન ક્ષેત્રે ગ્રીસની ‘સિક્સર’: ૩.૮ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી, ૨૩ અબજ યુરોની માતબર આવક સાથે અર્થતંત્રમાં તેજી

એથેન્સ: દુનિયાના સૌથી સુંદર અને ઐતિહાસિક દેશોમાં ગણાતા ગ્રીસે પ્રવાસન ક્ષેત્રે ૨૦૨૫ના વર્ષમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ગ્રીસની સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગત વર્ષે પ્રવાસીઓના આગમન અને તેનાથી થતી આવકમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. પ્રવાસન મંત્રી ઓલ્ગા કેફાલોગિયાનીએ આ વર્ષને આ ક્ષેત્ર માટે "સર્વકાલીન શ્રેષ્ઠ વર્ષ" તરીકે જાહેર કર્યું છે.
આંકડાની નજરે ગ્રીસનો પ્રવાસન ગ્રોથ
૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં પ્રવાસીઓની સંખ્યામાં ૫.૬ ટકાનો વધારો થયો છે. ૨૦૨૪માં ૩.૫ કરોડ પ્રવાસીઓ આવ્યા હતા, જે આ વર્ષે વધીને આશરે ૩.૮ કરોડ (૩૭.૯૮ મિલિયન) સુધી પહોંચી ગયા છે. ખાસ વાત એ છે કે યુરોપિયન યુનિયન બહારના દેશોના પ્રવાસીઓમાં ૧૦ ટકાનો જંગી વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે ગ્રીસ હવે વૈશ્વિક સ્તરે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે.
આવકમાં ૯ ટકાનો તોતિંગ વધારો
ગ્રીસના અર્થતંત્ર માટે પ્રવાસન એક કરોડરજ્જુ સમાન છે. ૨૦૨૫માં મુસાફરીની આવક ૨૩.૬ અબજ યુરો ($૨૭.૮ અબજ) રહી છે, જે ૨૦૨૪માં ૨૧.૬ અબજ યુરો હતી. આ કમાણીમાં થયેલો ૯ ટકાનો વધારો દેશના જીડીપીને મજબૂત બનાવવામાં મહત્વનો સાબિત થયો છે. ગ્રીસ અત્યારે પ્રવાસન મામલે ફ્રાન્સ, સ્પેન અને ઈટાલી જેવા દિગ્ગજ દેશોની હરોળમાં આવી ગયું છે.
ટેકનોલોજીકલ અડચણો અને સુધારાની તૈયારી
જોકે, આ સફળતા વચ્ચે કેટલીક મુશ્કેલીઓ પણ સામે આવી છે. એથેન્સ એરપોર્ટ પર ‘જૂની ટેકનોલોજી’ને કારણે ફ્લાઈટ્સ કલાકો સુધી અટવાઈ હતી અને રડાર સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ૩૦૦ મિલિયન યુરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાનું કામ શરૂ કરી દીધું છે.
૨૦૨૬ માટે પણ સારા સંકેત
પ્રારંભિક ડેટા મુજબ, ૨૦૨૬નું વર્ષ પણ ગ્રીસ માટે તેજીમય રહેવાની પૂરી શક્યતા છે. ક્રુઝ શિપ ટ્રાફિકના આંકડા ઉમેરાયા બાદ આ રેકોર્ડ હજુ પણ ઊંચો જઈ શકે છે. પ્રાચીન સંસ્કૃતિ, સુંદર ટાપુઓ અને આધુનિક સુવિધાઓના સંગમને કારણે ગ્રીસ પ્રવાસન જગતનું નવું ‘હોટ સ્પોટ’ બની રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
