<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

જર્મનીમાં મુસાફરોની માઠી: 27 અને 28 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ‘ચક્કાજામ’, પરિવહન કામદારોએ વેતન વધારા મુદ્દે હડતાળનું એલાન કર્યું

150 ટ્રાન્સપોર્ટ કંપનીઓના 1 લાખ કર્મચારીઓ ઉતરશે હડતાળ પર; બસ, ટ્રામ અને સ્થાનિક ટ્રેનોના પૈડાં થંભી જવાથી બર્લિન-હેમ્બર્ગ સહિતના શહેરોમાં જનજીવન પ્રભાવિત થવાની ભીતિ

બર્લિન: યુરોપના સૌથી શક્તિશાળી અર્થતંત્ર ગણાતા જર્મનીમાં આગામી દિવસોમાં મુસાફરો માટે મોટી મુશ્કેલી ઉભી થવાની છે. જર્મનીના સૌથી મોટા જાહેર ક્ષેત્રના યુનિયન 'વર્ડી' (Verdi) એ ૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ દેશવ્યાપી પરિવહન હડતાળની જાહેરાત કરી છે. વધુ સારા વેતન અને કામકાજની યોગ્ય પરિસ્થિતિઓની માંગ સાથે હજારો કામદારો આ આંદોલનમાં જોડાશે, જેના કારણે બસ, ટ્રામ અને લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ શકે છે.

કેમ મડાગાંઠ સર્જાઈ?

જર્મનીની લગભગ ૧૫૦ જેટલી પરિવહન કંપનીઓના આશરે ૧,૦૦,૦૦૦ કર્મચારીઓ સાથે છેલ્લા કેટલાક સમયથી વેતન કરાર અંગે વાટાઘાટો ચાલી રહી છે. યુનિયનના ડેપ્યુટી ચેર ક્રિસ્ટીન બેહલે જણાવ્યું હતું કે, "અત્યાર સુધી વાટાઘાટોના ચાર રાઉન્ડ થયા હોવા છતાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. નોકરીદાતાઓ હજુ પણ પરિસ્થિતિની ગંભીરતાને સમજી શકતા નથી." યુનિયનની મુખ્ય માંગણીઓ કામના કલાકોમાં ઘટાડો, શિફ્ટ ડ્યુટીમાં સુધારો અને રાત્રિ કે સપ્તાહના અંતે કામ કરવા બદલ વધારાના ભથ્થાની છે.

પર્યટકો અને સામાન્ય જનતા પર અસર

આ હડતાળની સીધી અસર બર્લિન અને હેમ્બર્ગ જેવા મોટા શહેરો પર પડશે. સ્થાનિક પરિવહન સેવાઓ ઠપ થવાના કારણે લાખો નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડશે. ખાસ કરીને જર્મનીમાં ફરવા ગયેલા પર્યટકો માટે પણ આ બે દિવસ પડકારજનક સાબિત થઈ શકે છે. યુનિયનનું કહેવું છે કે જો અત્યારે સુધારા કરવામાં નહીં આવે, તો લાંબા ગાળે જાહેર પરિવહન સેવાઓની કાર્યક્ષમતા જોખમાઈ શકે છે.

જર્મન સરકાર અને ટ્રાન્સપોર્ટ કંપનીઓ વચ્ચેનો આ ટકરાવ ક્યાં જઈને અટકે છે તેના પર અત્યારે સમગ્ર યુરોપની નજર છે.

(7:02 PM IST)