હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અંડરવર્લ્ડમાં નવો લોહીતરસ્યો જંગ: લોરેન્સના વકીલ પર ગોળીબાર કરી ‘નવી ગેંગ’ની એન્ટ્રી : દિલ્હીમાં દહેશત!
રાહુલ ફતેહપુર અને નવીન બોક્સરે લીધી હુમલાની જવાબદારી: સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી ખુલ્લી ચેતવણી: “લોરેન્સના દલાલો સુધરી જાય નહીંતર આખા પરિવારનો ખાતમો થશે

નવી દિલ્હી: દેશની સૌથી ખતરનાક ગણાતી લોરેન્સ બિશ્નોઈ ગેંગને હવે તેમના જ અંદાજમાં જવાબ આપવા માટે અંડરવર્લ્ડમાં એક નવી ગેંગનો ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં લોરેન્સ બિશ્નોઈના નજીકના ગણાતા વકીલ દીપક ખત્રી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી સ્વીકારતા રાહુલ ફતેહપુર અને નવીન બોક્સર નામના બે નવા ગેંગસ્ટરોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે દીપક ખત્રી વકીલાતના ઓઠા હેઠળ લોરેન્સ માટે બાતમીદાર અને ખંડણીના દલાલ તરીકે કામ કરતો હતો, જેના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો છે. આ હુમલાએ દિલ્હીમાં ફરી એકવાર ગેંગવોરની આશંકા જન્માવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટમાં આક્રમક શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, "ભગવાનનો આભાર માનો કે વકીલ આજે બચી ગયો, પરંતુ હવે સુધરવાનો સમય પૂરો થઈ રહ્યો છે." હુમલાખોરોએ માત્ર દીપક ખત્રી જ નહીં, પરંતુ લોરેન્સ સાથે જોડાયેલા તમામ લોકો અને તેમના પરિવારોને પણ ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપી છે. આ નવી ગેંગનો ઉદય એવા સમયે થયો છે જ્યારે લોરેન્સ બિશ્નોઈ પહેલેથી જ ઘણી તપાસ એજન્સીઓના રડાર પર છે. નવીન બોક્સર અને રાહુલ ફતેહપુરની આ હિંમત દર્શાવે છે કે અંડરવર્લ્ડના સમીકરણો હવે બદલાઈ રહ્યા છે અને લોરેન્સની સત્તાને પડકારવા માટે નવા ખેલાડીઓ મેદાનમાં ઉતરી ચૂક્યા છે.
બીજી તરફ, દિલ્હી પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. જોકે પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ ગેંગનું નામ જાહેર કર્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટના IP એડ્રેસ અને લોકેશનની તપાસ તેજ કરી દેવામાં આવી છે. વકીલ દીપક ખત્રીની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે, પરંતુ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે શું આ ખરેખર કોઈ નવી ગેંગ છે કે પછી લોરેન્સના જૂના દુશ્મનોએ નવા નામથી આ હુમલો કરાવ્યો છે. આ હુમલામાં વપરાયેલા હથિયારો અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરો સુધી પહોંચવા માટે સ્પેશિયલ સેલની ટીમો કામે લાગી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
