હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દક્ષિણ કોરિયાના ‘જેજુ ટાપુ’ પર વિઝા વગર એન્ટ્રી ગેરંટી નથી! ભારતીય દૂતાવાસની ચેતવણી: મુસાફરોને એરપોર્ટ પરથી જ પરત મોકલાયા હોવાની ઘટનાઓ વધી
ઈન્ફ્લુએન્સર સચિન અવસ્થીએ વર્ણવી આપવીતી, કહ્યું- ‘જેલ જેવી હાલતમાં 38 કલાક રખાયા’; જાણો દક્ષિણ કોરિયામાં પ્રવેશતા પહેલા તમારી પાસે કયા દસ્તાવેજો હોવા અનિવાર્ય છે

સિઓલ: જો તમે દક્ષિણ કોરિયાના સુંદર ‘જેજુ ટાપુ’ (Jeju Island) ની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ, તો સાવધાન થઈ જજો. ભારતીય દૂતાવાસ (સિઓલ) દ્વારા એક મહત્ત્વની એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વિઝા-મુક્ત પ્રવેશની સુવિધા હોવા છતાં, એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ ગમે ત્યારે તમારો પ્રવેશ નકારી શકે છે. તાજેતરમાં અનેક ભારતીય પ્રવાસીઓને એરપોર્ટ પરથી જ અટકાયતમાં લઈને સ્વદેશ પરત મોકલી દેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં જાણીતા ભારતીય કન્ટેન્ટ ક્રિએટર સચિન અવસ્થીએ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી વર્ણવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમને અને તેમની પત્નીને જેજુ ટાપુ પર કોઈપણ કારણ વગર ૩૮ કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની સાથે ‘ગુનેગારો જેવો વ્યવહાર’ કરવામાં આવ્યો અને તેમને એક અંધારી હોલ્ડિંગ સુવિધામાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસ હરકતમાં આવ્યું છે.
દૂતાવાસની કડક સૂચનાઓ
દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે વિઝા માફી યોજના એ પ્રવેશની ‘ગેરંટી’ નથી. જો ઈમિગ્રેશન અધિકારીને તમારી મુસાફરીના હેતુ પર શંકા જાય, તો તેઓ તમને એન્ટ્રી આપવાનો ઇનકાર કરી શકે છે. દૂતાવાસે મુસાફરોને નીચે મુજબની ચેકલિસ્ટ સાથે રાખવા જણાવ્યું છે (ફક્ત ફોનમાં નહીં, પરંતુ પ્રિન્ટેડ નકલ):
- કન્ફર્મ રિટર્ન એર ટિકિટ.
- હોટેલ બુકિંગના પુરાવા.
- દિવસવાર મુસાફરીનો કાર્યક્રમ (Itinerary).
- પૂરતા ભંડોળનો પુરાવો (બેંક સ્ટેટમેન્ટ કે રોકડ).
- ઓછામાં ઓછી ૬ મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ.
- ટ્રાવેલ ઇન્શ્યોરન્સ (ભારપૂર્વક ભલામણ).
જેજુ ટાપુથી મુખ્ય કોરિયામાં પ્રવેશ નહીં મળે
એક મહત્ત્વની વાત એ છે કે જેજુ વિઝા માફી માત્ર ટૂંકા ગાળાના પ્રવાસન માટે જ છે. તમે જેજુ ટાપુ પરથી દક્ષિણ કોરિયાના મુખ્ય ભૂમિભાગ (Mainland) પર જઈ શકતા નથી. જો કોઈ પ્રવાસી વિઝા વગર મુખ્ય ભૂમિ પર જવાનો પ્રયાસ કરે, તો તે ગેરકાયદેસર માનવામાં આવે છે અને ભવિષ્યમાં તેના પર મુસાફરી પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.
દૂતાવાસે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ યજમાન દેશના ઇમિગ્રેશન નિયમોમાં દખલ કરી શકે નહીં, પરંતુ મુશ્કેલીમાં ફસાયેલા ભારતીયોને પૂરેપૂરી કોન્સ્યુલર સહાય પૂરી પાડશે. જો પ્રવેશ નકારવામાં આવે, તો મુસાફરે તે જ એરલાઇનની આગામી ફ્લાઇટમાં પરત ફરવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
