<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

દિલ્હીમાં પૂર્વોત્તરની દીકરીઓનું અપમાન: માલવિયા નગરમાં જાતિગત દુર્વ્યવહાર કરનાર દંપતીની ધરપકડ:સીએમ રેખા ગુપ્તાએ કહ્યું- ‘આવું કૃત્ય સહન નહીં કરાય’

AC રિપેરિંગની સામાન્ય બાબતમાં પડોશીએ મર્યાદા ઓળંગી; યુવતીઓને ‘વેશ્યા’ અને ‘મોમો વેચવા વાળી’ કહી ગંદી ગાળો આપી, વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં

નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના પોશ ગણાતા માલવિયા નગર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અરુણાચલ પ્રદેશની ત્રણ યુવતીઓ સાથે જાતિગત ભેદભાવ અને અભદ્ર ટિપ્પણી કરવાના આરોપમાં દિલ્હી પોલીસે પડોશમાં રહેતા દંપતી હર્ષ સિંહ અને રૂબી જૈનની ધરપકડ કરી છે. આ મામલે રાજકીય ગરમાવો વધતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતે હસ્તક્ષેપ કર્યો છે.
આ ઘટના ૨૦ ફેબ્રુઆરીના રોજ બની હતી. અરુણાચલ પ્રદેશની ત્રણ યુવતીઓ, જેમાં એક UPSC ની તૈયારી કરી રહી છે, માલવિયા નગરમાં ચોથા માળે ભાડે રહે છે. એસી (AC) લગાવવા માટે ડ્રિલિંગનું કામ ચાલતું હતું ત્યારે થોડો કચરો નીચેના માળે રહેતા હર્ષ અને રૂબીના ઘરે પડ્યો હતો. આ સામાન્ય વાત પર દંપતીએ યુવતીઓ સાથે ઝઘડો શરૂ કર્યો અને વાત એટલી હદે વણસી ગઈ કે તેમણે આખા પૂર્વોત્તર સમુદાય વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.
 પીડિત યુવતીઓએ આરોપ લગાવ્યો છે કે રૂબી જૈને તેમને "વેશ્યા" કહીને અપમાનિત કરી હતી અને "તમે ૫૦૦ રૂપિયામાં કામ કરો છો, જઈને મોમો વેચો" જેવી ગંદી વાતો કહી હતી. આટલું જ નહીં, પૂર્વોત્તરના લોકો માટે "ગટર-ચપ્પર" જેવા શબ્દોનો પ્રયોગ કરીને જાતિગત ભેદભાવની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
 દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે, "પૂર્વોત્તરના ભાઈ-બહેનોનો દિલ્હી પર એટલો જ અધિકાર છે જેટલો આપણો છે. હું ટૂંક સમયમાં પીડિત દીકરીઓને મળીશ અને તેમની સુરક્ષા માટે નવી નીતિ બનાવવાની જરૂર પડશે તો તે પણ બનાવીશું." બીજી તરફ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ અરુણાચલના સીએમ પેમા ખાંડુ સાથે વાત કરી કડક કાનૂની જોગવાઈઓ લાગુ કરવાનું વચન આપ્યું છે.
દિલ્હી પોલીસે આરોપી દંપતી વિરુદ્ધ SC-ST એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. એસીપી (ACP) રેન્કના અધિકારી આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે

(7:35 PM IST)